વેર વાળવાનું ભારતનું સપનું ભાંગીને ભુક્કો

12 February, 2024 08:23 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

આૅસ્ટ્રેલિયાએ પહેલી વાર અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવ્યું : આૅસ્ટ્રેલિયન સરદાર હરજસ સિંહ ભારે પડ્યો, સૌથી વધુ ૫૫ રન કર્યા

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ

ભારતીય જુનિયર ટીમનું અન્ડર-19 વર્લ્ડ ચૅ​મ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. અન્ડર-19 વર્લ્ડ કપ ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૭૯ રનથી ભારતને હરાવી દીધું છે. મહત્ત્વનું છે કે આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાએ પહેલી વાર ફાઇનલમાં ભારતને હરાવ્યું છે. ઑસ્ટ્રેલિયા ચોથી વાર અન્ડર-19 વર્લ્ડ કપ ચૅ​મ્પિયન બન્યું છે, આ પહેલાં ૨૦૧૦માં પાકિસ્તાનને હરાવી ચૅ​મ્પિયન બન્યું હતું.
ઑસ્ટ્રેલિયા છેલ્લે ૨૦૧૦માં પાકિસ્તાનને પચીસ રને હરાવી ચૅ​મ્પિયન બન્યું હતું. એ પહેલાં ૨૦૦૨માં સાઉથ આફ્રિકાને ૭ વિકેટે હરાવ્યું હતું. તો પહેલાં અન્ડર-19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ૧૯૮૮માં ઑસ્ટ્રેલિયાએ ૫ વિકેટે પાકિસ્તાનને હરાવી ચૅ​મ્પિયન બન્યું હતું.


કાંગારૂ ટીમમાં ભારતીય મૂળનો હરજસ સિંહ જીતનો મુખ્ય હીરો રહ્યો હતો. તેણે ટીમમાં સૌથી વધુ ૫૫ રન કર્યા હતા.

ભારતની અન્ડર-19 ટીમમાં કચ્છીમાડુ એવા રાજ લિંબાણીએ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ૧૦ ઓવરમાં ૩૮ રન આપી ૩ મહત્ત્વની વિકેટ ઝડપી હતી.

સૌમ્ય પાંડેનો પર્ફોર્મન્સ કેવો રહ્યો?


સૌમી પાંડેએ આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે ૨૪ રનમાં ૪ વિકેટ, ન્યુ ઝીલૅન્ડ સામે ૧૯ રનમાં ૪ વિકેટ, નેપાલ સામે ૨૯ રનમાં ૪ વિકેટ, આયરલૅન્ડ સામે ૩ વિકેટ ઝડપી હતી. તો સાઉથ આફ્રિકા અને અમેરિકા સામે ૧-૧ વિકેટ ઝડપી હતી.

 

ભારત માટે અન્ડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર

સૌમ્ય પાંડે

૧૮ વિકેટ – ૨૦૨૪

રવિ બિશ્નોઈ

૧૭ વિકેટ – ૨૦૨૦

 

૧૭૪ રનમાં ઑલઆઉટ
ઑસ્ટ્રેલિયાએ પહેલાં બૅટિંગ કરતાં ૨૫૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઑસ્ટ્રેલિયા તરફથી ભારતીય મૂળના હરજસ સિંહે સૌથી વધુ ૫૫ રન કર્યા હતા. તો સુકાની હ્યુજ વીબજેને ૪૮ રન કર્યા હતા. આના જવાબમાં ભારતીય ટીમ ૪૩.૫ ઓવરમાં માત્ર ૧૭૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર આદર્શ સિંહે ભારતીય ટીમમાં સૌથી વધુ ૪૭ રન બનાવ્યા હતા. કાંગારૂ તરફથી મૈકમિલન અને માહલી બિયર્ડમૅને ૩-૩ વિકેટ ઝડપી હતી.

સૌમ્યએ તોડ્યો બિશ્નોઈનો રેકૉર્ડ
અન્ડર-19 વર્લ્ડ કપ ૨૦૨૪માં સૌમ્ય પાંડેએ અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ભારત માટે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો છે. તેણે આ ટુર્નામેન્ટમાં ૭ ઇનિંગ્સમાં ૧૮ વિકેટ ઝડપી છે. એની સાથે જ તેણે રવિ બિશ્નોઈનો રેકૉર્ડ તોડી દીધો છે. ભારત માટે અન્ડર-19 વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકૉર્ડ અત્યાર સુધી રવિ બિશ્નોઈના નામે નોંધાયો હતો. તેણે ૨૦૨૦માં ૧૭ વિકેટ ઝડપી હતી, પણ હવે સૌમીએ ૧૮ વિકેટ લઈને આ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે.

ઑસ્ટ્રેલિયાએ તોડ્યો  ઇંગ્લૅન્ડનો રેકૉર્ડ
ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાંગારૂ ટીમે ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૫૩ રનનો સ્કોર કર્યો હતો. આ પહેલાં ૧૯૯૮માં ઇંગ્લૅન્ડે ન્યુ ઝીલૅન્ડ સામે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ૨૪૨ રનનો સ્કોર બનાવ્યો હતો, જે એક રેકૉર્ડ હતો. ઑસ્ટ્રેલિયાએ આ રેકૉર્ડ તોડી દીધો હતો. 

sports news sports cricket news under 19 cricket world cup