આજે નક્કી થઈ જશે અન્ડર-19 વિમેન્સ T20 એશિયા કપની ફાઇનલિસ્ટ ટીમ

20 December, 2024 11:46 AM IST  |  Kuala Lumpur | Gujarati Mid-day Correspondent

મલેશિયામાં રમાઈ રહેલા અન્ડર-19 વિમેન્સ T20 એશિયા કપની પહેલી સીઝનનો આજે મહત્ત્વનો દિવસ છે

પ્રતીકાત્મક તસવીર

મલેશિયામાં રમાઈ રહેલા અન્ડર-19 વિમેન્સ T20 એશિયા કપની પહેલી સીઝનનો આજે મહત્ત્વનો દિવસ છે. બાવીસમી ડિસેમ્બરે આયોજિત ફાઇનલ મૅચ માટે આજે ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે. ગઈ કાલે સુપર-ફોરની મૅચ શરૂ થઈ હતી. એમાં ભારતીય ટીમે બંગલાદેશને ૮ વિકેટે હરાવીને પોતાની જગ્યા ઑલમોસ્ટ નક્કી કરી દીધી છે, કારણ કે સુપર-ફોર રાઉન્ડની શ્રીલંકા અને નેપાલની બીજી મૅચમાં વરસાદ પડતાં મૅચ રદ થઈ હતી અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ મળ્યો હતો.

ગઈ કાલની મૅચમાં બંગલાદેશે ૮ વિકેટ ગુમાવીને ૮૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતીય ટીમે ૧૨.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવી ૮૬ રન ફટકારીને ચેઝ કરી લીધો હતો. આજે આ રાઉન્ડની અંતિમ મૅચ ભારત-શ્રીલંકા વચ્ચે અને બંગલાદેશ-નેપાલ વચ્ચે રમાશે. ભારતીય ટીમે ફાઇનલમાં જગ્યા પાકી કરવા આ મૅચમાં જીત મેળવવી પડશે. જો હારશે તો નેટ રનરેટથી નિર્ણય થઈ શકે છે.  ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અજેય રહી છે.

cricket news sports sports news