18 March, 2023 06:37 PM IST | Mumbai | Ajay Motivala
ફાઈલ તસવીર
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં શુભમન ગિલને બીજી જ ઓવરમાં બે રનના સ્કોર પર જીવતદાન મળ્યું એ પછી ઑસ્ટ્રેલિયાના માર્નસ લબુશેને બૅકવર્ડ પૉઇન્ટ પર ડાબી તરફ ડાઇવ મારીને ગિલનો શાનદાર કૅચ પકડ્યો હતો. જોકે એ પહેલાં ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની છેલ્લી ઓવર્સમાં ખુદ ગિલ કૅચિઝના મુદ્દે છવાઈ ગયો હતો. ગિલે સ્લિપમાં પહેલાં કુલદીપ યાદવના બૉલમાં કૅમરન ગ્રીનનો અને પછી મોહમ્મદ શમીના બૉલમાં માર્કસ સ્ટૉઇનિસનો આસાન કૅચ છોડ્યો હતો. જોકે ગિલે પછીથી સ્લિપમાં વધુ સતર્ક બનીને હિસાબ સરખો કરી લીધો હતો. તેણે શમીના જ એક બૉલમાં સ્લિપમાં જમણી તરફ ડાઇવ મારીને સ્ટૉઇનિસનો અફલાતૂન કૅચ પકડ્યા બાદ થોડી વાર પછી મોહમ્મદ સિરાજના બૉલમાં સ્લિપમાં એ જ સ્ટાઇલમાં ડાઇવ મારીને શૉન અબૉટનો નીચો કૅચ પકડીને સાથી-ખેલાડીઓ અને હજારો પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં.
કિશનને રાહુલનું માર્ગદર્શન
મેદાન પર કોઈ સિનિયર પ્લેયર તેના જુનિયરને ફીલ્ડિંગમાં યોગ્ય સ્થાને ઊભો રહેવા માર્ગદર્શન આપે એ આમ તો સામાન્ય કહેવાય, પરંતુ ગઈ કાલે વાનખેડેમાં થોડું અનોખું જોવા મળ્યું. આ મૅચમાં વિકેટકીપિંગમાં કે. એલ. રાહુલને ઊભા રહેવાનું કહેવાશે કે ઈશાન કિશનને એ મુદ્દે ઘણા દિવસથી ચર્ચા હતી. છેવટે રાહુલને એ જવાબદારી સોંપાઈ હતી. મૅચ શરૂ થયા પછી થોડી ઓવર્સ બાદ રાહુલે નજીક ઊભેલા કિશનને ફાઇનલ લેગ પરથી શૉર્ટ ફાઇન લેગ પર આવવાનું કહ્યું હતું. થોડી ઓવર બાદ રાહુલે સ્લિપમાં કુલદીપની જગ્યાએ કિશનને ઊભા રહેવા કહ્યું હતું. રાહુલે વિકેટકીપર તરીકે બે કૅચ પકડ્યા હતા. પછીથી કિશનને ઓપનિંગમાં રમવા મળ્યું હતું, પણ તે ફક્ત ૩ રન બનાવીને આઉટ થયો અને રાહુલે અણનમ ૭૫ રન બનાવીને ભારતને વિજય અપાવ્યો હતો.
શમી-કોહલીની હાર્દિકને સલાહ
કૅપ્ટન હાર્દિક પંડ્યા મોહમ્મદ શમીના સ્થાને બોલિંગ કરવા આવ્યો ત્યાર બાદ શમી વારંવાર તેની નજીક આવીને સ્ટીવ સ્મિથને કેવી રીતે જાળમાં ફસાવવો એની સલાહ આપતો હતો. કોહલીએ પણ હાર્દિકને ઍડ્વાઇઝ આપી હતી અને થોડી જ વારમાં હાર્દિકે સ્ટીવ સ્મિથને આઉટસ્વિંગર ફેંકીને જાળમાં ફસાવ્યો હતો. સ્મિથે પ્લેસમેન્ટમાં ગરબડ કરી અને વિકેટકીપર રાહુલે જમણે ડાઇવ મારીને સુંદર કૅચ પકડી લીધો હતો.
શમીની બે વિકેટ મેઇડન ઓવર
ગઈ કાલની ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં પહેલી વિકેટ મેઇડન અને બીજી વિકેટ મેઇડન ઓવર મોહમ્મદ શમીની હતી. તેણે ઉપરાઉપરી બે ઓવરમાં વિકેટ લીધી અને એમાં એકેય રન નહોતો આપ્યો. ઘણા સ્ટૅન્ડમાંથી ‘મોહમ્મદ શમી... મોહમ્મદ શમી...’ની બૂમ પડી હતી અને એ ચિયર-અપ્સ વચ્ચે શમીએ પહેલાં કૅમેરન ગ્રીનનું ઑફ સ્ટમ્પ ઉખેડી નાખ્યું હતું અને પછીની ઓવરમાં સ્ટૉઇનિસને સ્લિપમાં ગિલના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો.