18 November, 2024 09:01 AM IST | Perth | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર, ટિમ પેઇન
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની શરૂઆત પહેલાં ભારત અને ઑસ્ટ્રેલિયાના દિગ્ગજો વચ્ચે રસપ્રદ નિવેદનબાજી સાંભળવા મળી રહી છે. ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને હાલમાં ગૌતમ ગંભીર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ છેલ્લી બે સિરીઝ જીતી ત્યારે રવિ શાસ્ત્રી એક શાનદાર કોચ હતો. તેણે ટીમમાં સારો માહોલ રાખ્યો હતો. પ્લેયર્સમાં ઊર્જા અને ઝનૂન હતાં. તેણે ટીમને સપનાં દેખાડ્યાં અને હલકા-ફૂલકા આનંદદાયી અંદાજમાં પ્રેરિત પણ કર્યા. ભારત પાસે હવે નવો કોચ છે જે ખૂબ શૉર્ટ ટેમ્પર્ડ છે. તે ખૂબ સ્પર્ધાત્મક છે જે ભારતીય ક્રિકેટ ટીમ માટે યોગ્ય નથી.’
ઑસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પૉન્ટિંગે વિરાટ કોહલીના ખરાબ ફૉર્મ પર કરેલી કમેન્ટ પર મુંબઈમાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર ભડકી ગયો હતો. આ ઘટના પર વાત કરતાં ટિમ પેઇને કહ્યું હતું કે ‘તમારો કોચ પ્રેસ-કૉન્ફરન્સમાં એક સરળ પ્રશ્ન પર ભકડી જાય છે. જો પર્થ ટેસ્ટમાં ભારતની શરૂઆત સારી નહીં થાય તો ગૌતમ ગંભીર માટે આગળની સફર મુશ્કેલ બની શકે છે.’
ઑસ્ટ્રેલિયામાં આ પહેલાંની ભારત સામેની છેલ્લી બે BGTમાં કાંગારૂ ટીમે ટિમ પેઇનની કૅપ્ટન્સી હેઠળ જ હારનો સામનો કરવો પડ્યો હતો.