18 May, 2022 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તિલક વર્મા બધાં ફૉર્મેટ માટે એકદમ ફિટ છે : ગાવસકર
આઇપીએલના સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતે માત્ર ૬ પૉઇન્ટને કારણે ૧૦ ટીમમાં સાવ તળિયે બેઠી છે, પરંતુ આ ટીમને આ કમનસીબ સીઝનમાં પણ કેટલાક ખેલાડીઓ એવા મળ્યા છે જેનાથી ટીમની આબરૂ થોડીઘણી સચવાઈ છે. વિદેશી પ્લેયર્સમાં ઑલરાઉન્ડર ડૅનિયલ સેમ્સ ચમક્યો છે તો દેશી ખેલાડીઓમાં તિલક વર્મા ઝળક્યો છે. ૧૨ મૅચમાં કુલ ૩૬૮ રન બનાવીને તિલક વર્મા મુંબઈના આ સીઝનના બૅટર્સમાં મોખરે છે.
ટીમના સુકાની રોહિત શર્મા પછી ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે પણ મૂળ હૈદરાબાદના તિલક વર્માની ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેને ભારત વતી રમવાનો મોકો અપાશે તો તે કોઈ પણ ફૉર્મેટની ટીમ માટે ફિટ થઈ શકશે. રોહિત શર્માએ પણ આવું જ કહ્યું છે અને મારું પણ તિલક વિશે એવું જ માનવું છે. હવે તિલકે પોતાના પર્ફોર્મન્સ અને ફિટનેસ પર થોડું વધુ ધ્યાન આપીને બૅટિંગ-ટેક્નિકની બાબતમાં પણ થોડું વધુ લક્ષ આપીને રોહિતના વિશ્વાસને સાચો ઠરાવવો જોઈશે.’
ગાવસકરને ખાસ કરીને તિલકની મનઃસ્થિતિ ખૂબ ગમી છે. સની તેના ટેમ્પરામેન્ટને વખાણતાં કહે છે કે ‘તેની બૅટિંગ-ટેક્નિક બહુ સારી છે. તે સ્ટ્રેઇટ બૅટથી રમે છે અને બૉલની બરાબર લાઇનમાં આવીને શૉટ મારે છે. ફ્રન્ટ ફુટ પર આવીને ડિફેન્ડ કરતી વખતે તે બૅટને પૅડની ખૂબ નજીક રાખીને રમે છે.
ટૂંકમાં, તેના બધા જ બેઝિક્સ બરાબર છે. આ બેઝિક્સ અને ટેમ્પરામેન્ટના સંયોજનથી જ તિલકની કરીઅર અત્યારે સોળે કળાએ ખીલી રહી છે એવું કહી શકાય.’