06 January, 2024 06:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ સૂર્યવંશી
બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ રણજી ટ્રોફીની નવી સીઝનમાં ડેબ્યુ કર્યું છે. વૈભવથી વધુ ચર્ચા તેની ઉંમર માટે થઈ રહી છે. ક્રિકઇન્ફોમાં જણાવ્યા પ્રમાણે તેની ઉંમર ૧૨ વર્ષ છે, પણ કોઈ તેને ૧૪ વર્ષનો કહી રહ્યા છે. વૈભવ સૂર્યવંશી બિહારનો સચિન તેન્ડુલકર કહેવાય છે.
વૈભવને મળી રણજી ટ્રોફી ડેબ્યુ કૅપ
રણજી ટ્રોફીની નવી સીઝનની શરૂઆત ગઈ કાલે પાંચમી જાન્યુઆરીથી થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટના ઘણા દિગ્ગજ આ ટુર્નામેન્ટથી મેદાનમાં ઊતરે છે. એની વચ્ચે બિહારના વૈભવ સૂર્યવંશીને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ૧૨ વર્ષની ઉંમરમાં વૈભવને ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કૅપ મળી ગઈ છે. બિહારની ટીમ પટનામાં મુંબઈ સામે રણજી ટ્રોફીની ગ્રુપ-બીમાં મૅચ રમવા ઊતરી છે.
વૈભવ કહેવાય છે બિહારનો સચિન
વૈભવને ‘બિહારનો સચિન તેન્ડુલકર’ ગણવામાં આવે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ સમયે સચિનની ઉંમર ૧૫ વર્ષ અને ૨૩૨ દિવસ હતી. જોકે વૈભવની સાચી ઉંમરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીસીસીઆઇની અધિકારિક વેબસાઇટ પ્રમાણે વૈભવે ૧૨ વર્ષ ૯ મહિના ૧૦ દિવસની ઉંમરે ડેબ્યુ કર્યું છે. વૈભવનો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થઈ રહ્યો છે, જે લગભગ ૮ મહિના પહેલાંનો છે. વૈભવ એમાં પોતાને ૨૭ સપ્ટેમ્બરે ૧૪ વર્ષનો થઈ જશે એવું કહી રહ્યો છે. એ હિસાબે જોઈએ તો ડેબ્યુમાં તેની ઉંમર ૧૪ વર્ષ ૩ મહિના ૯ દિવસ થશે.વૈભવને ભૂતપૂર્વ ભારતીય રણજી ક્રિકેટર મનીષ ઓઝાએ ટ્રેઇનિંગ આપી છે. તે ભારતની અન્ડર-19બી ટીમનો સભ્ય પણ રહી ચૂક્યો છે અને એમાં પાંચ મૅચમાં ૧૭૭ રન બનાવ્યા છે. એ ઉપરાંત વિનુ માંકડ ટ્રોફીમાં ગઈ સીઝનમાં પાંચ મૅચમાં તેણે ૩૯૩ રન બનાવ્યા હતા.
મુંબઈના નવ વિકેટે ૨૩૫ રન
ઝારખંડથી છૂટા પડ્યા પછી પહેલી વાર એલીટ ગ્રુપમાં રમી રહેલી બિહારની ટીમે પટનામાં ગઈ કાલે મુંબઈની, અજિંક્ય રહાણે સિવાયની, ટીમને પહેલા દિવસે નવ વિકેટે ૨૩૫ રન જ બનાવવા દીધા હતા અને મુંબઈના ચાર બૅટ્સમેનને બે આંકડાનો સ્કોર પણ નહોતો નોંધાવવા દીધો.