T20 વર્લ્ડ કપ દુનિયાભરમાં ICCની સૌથી મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ બનવાની તૈયારીમાં છે

30 June, 2024 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૩૦ પ્રોફેશનલ ક્રિકેટર્સ પર થયેલા સર્વે પરથી ખબર પડી કે...

ફાઇનલ પહેલાં ICCએ T20 વર્લ્ડ કપ 2024ની સૌથી યાદગાર તસવીરો શૅર કરી હતી, એમાં એક રોહિત શર્મા અને વિરાટ કોહલીની છે.

T20 વર્લ્ડ કપ વિશ્વભરના ખેલાડીઓ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ‘સૌથી મહત્ત્વપૂર્ણ’ ઇવેન્ટ બનવા માટે તૈયાર છે. ખેલાડીઓ વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં T20 વર્લ્ડ કપને ICCની સૌથી મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ ગણતા ખેલાડીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.

વર્લ્ડ ક્રિકેટર્સ અસોસિએશન (WCA) દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ૮૫ ટકા ખેલાડીઓએ ૨૦૧૯માં ૫૦ ઓવરના વર્લ્ડ કપને સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો, જ્યારે ૧૫ ટકા ખેલાડીઓએ T20 વર્લ્ડ કપને સૌથી મહત્ત્વનો ગણાવ્યો હતો. જોકે આ વર્ષે આ આંકડાઓમાં મોટો ફેરફાર થયો છે અને માત્ર ૫૦ ટકા ખેલાડીઓએ જ વન-ડે વર્લ્ડ કપને સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે, જ્યારે T20 વર્લ્ડ કપને પસંદ કરનારા ક્રિકેટર્સની સંખ્યા ૩૫ ટકા સુધી પહોંચી ગઈ છે. WCA મુજબ આ વર્ષના સર્વેમાં ૧૩ દેશોના લગભગ ૩૩૦ પ્રોફેશનલ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી મોટા ભાગના વર્તમાન ટીમના સભ્યો પણ છે.

સર્વે અનુસાર ૨૬ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓમાં T20 વર્લ્ડ કપનો ક્રેઝ નોંધપાત્ર રીતે વધ્યો છે. સર્વેમાં ભાગ લેનારા ૪૯ ટકા ખેલાડીઓએ T20 વર્લ્ડ કપને સૌથી મહત્ત્વની ઘટના ગણાવી હતી. એકંદરે T20 ફૉર્મેટની લોકપ્રિયતા ઝડપથી વધી છે. વર્ષ ૨૦૧૯માં ૮૨ ટકા ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટને સૌથી મહત્ત્વપૂર્ણ ફૉર્મેટ તરીકે પસંદ કરી હતી, હવે એ માત્ર ૪૮ ટકા છે. આ સર્વેમાં લગભગ ૩૦ ટકા ખેલાડીઓએ T20ને સૌથી મહત્ત્વપૂર્ણ ફૉર્મેટ તરીકે પસંદ કરી છે.

sports news sports cricket news t20 world cup