આજે સુપર-એઇટનો પહેલો જંગ : અમેરિકા V/S સાઉથ આફ્રિકા

19 June, 2024 08:00 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સૌરભ નેત્રાવળકરે T20 વર્લ્ડ કપ રમવા માટે પોતાની કંપની ઑરૅકલમાંથી ૧૭ જૂન સુધી રજા લીધી હતી

સૌરભ નેત્રાવળકર, એડન માર્કરમ

ગ્રુપ-ટૂની ટીમ અમેરિકા અને સાઉથ આફ્રિકાની ટક્કર સાથે T20 વર્લ્ડ કપ 2024માં આજથી સુપર-એઇટ રાઉન્ડની શરૂઆત થશે. ભારતીય સમય અનુસાર સર વિવિયન રિચર્ડ્‌સ સ્ટેડિયમમાં સાંજે ૮ વાગ્યાથી બન્ને ટીમ વચ્ચેનો જંગ શરૂ થશે. સાઉથ આફ્રિકાના વર્લ્ડ ક્લાસ બૅટર્સની સામે અમેરિકાના બોલર્સ પોતાનું શક્તિ-પ્રદર્શન કરવા ઊતરશે. સાઉથ આફ્રિકાની ટીમ ગ્રુપ Dમાં અજય રહી હતી, જ્યારે અમેરિકાની ટીમ માત્ર ભારત સામે એક મૅચ હારી હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આ બન્ને ટીમ પહેલી વખત ટકરાશે.

સાઉથ આફ્રિકા પાસે ક્વિન્ટન ડી કૉક, હેન્રિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ અને ડેવિડ મિલર જેવા કેટલાક મોટા હિટર્સ છે. કૅપ્ટન એડન માર્કરમ ટૉપ-ઑર્ડરમાં સારું પ્રદર્શન કરી શકે છે. સ્ટાર ફાસ્ટ બોલર એન્રિક નોર્ખિયાએ ગ્રુપ-સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હાલમાં તે ટુર્નામેન્ટમાં નવ વિકેટ સાથે સંયુક્ત રીતે બીજા નંબરનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અમેરિકાની નજર કૅપ્ટન મોનાંક પટેલની ફિટનેસ પર હશે, જે ભારત સામેની મૅચમાં રમી શક્યો નહોતો. સૌરભ નેત્રાવળકર સહિતના અમેરિકન બોલિંગ યુનિટ પર હવે વેસ્ટ ઇન્ડીઝમાં શાનદાર પ્રદર્શન જાળવી રાખવાનું દબાણ રહેશે. 

મુંબઈકર સૌરભ નેત્રાવળકરે T20 વર્લ્ડ કપ રમવા માટે રજા લંબાવી 

અમેરિકન ટીમના ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવળકરે T20 વર્લ્ડ કપ રમવા માટે પોતાની કંપની ઑરૅકલમાંથી ૧૭ જૂન સુધી રજા લીધી હતી, પણ હવે ટીમ સુપર-એઇટમાં પહોંચી હોવાથી તેણે પોતાની રજા લંબાવવાની અરજી કરી હતી. મુંબઈકર સૌરભ નેત્રાવળકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની કંપનીના લોકો સાથે મળીને તેની મૅચ જુએ છે. તેઓ તમામ રીતે મને સપોર્ટ કરી રહ્યા છે.

sports sports news united states of america south africa t20 world cup