04 February, 2023 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન, મહેશ પીઠિયા
૯ ફેબ્રુઆરીએ નાગપુરમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલાં ઑસ્ટ્રેલિયાની ટીમ ખાસ કરીને ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને ખતરો માને છે અને તેના સ્પિન સામે સજાગ થવા માગે છે અને એ માટે તેમણે એવા યુવાન સ્પિનરની નેટ-પ્રૅક્ટિસમાં મદદ લીધી છે જેના વિશે જાણીને ક્રિકેટચાહકોને જરૂર આશ્ચર્ય થશે.
સ્મિથ, લબુશેનને પરેશાન કર્યા
૨૧ વર્ષના રાઇટ-આર્મ ઑફબ્રેક સ્પિનર મહેશ વિરામભાઈ પીઠિયાનો જન્મ જૂનાગઢમાં થયો હતો. તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં બરોડા ટીમ વતી ચાર મૅચ રમ્યો છે, જેમાં તેણે ૮ વિકેટ લીધી છે. મહેશ પીઠિયા ભારતના પીઢ સ્પિનર આર. અશ્વિન જેવો પાતળા બાંધાનો અને તેના જેવો જ દેખાય છે. તેની બોલિંગ-ઍક્શન પણ આર. અશ્વિન જેવી છે અને તેના જેવા ઑફ સ્પિન પણ તે કરી જાણે છે. ગઈ કાલે પૅટ કમિન્સની ટીમના બૅટર્સ સામે મહેશ પીઠિયાએ અથાકપણે ઘણી વાર સુધી નેટમાં બોલિંગ કરી હતી અને સ્ટીવ સ્મિથ તેમ જ માર્નસ લબુશેન અને ટ્રેવિસ હેડને મુશ્કેલીમાં મૂક્યા હતા.
૨૦૧૩માં પહેલી વાર અશ્વિનની બોલિંગ જોઈ
મહેશ ૨૦૧૩માં ૧૧ વર્ષનો થયો છેક ત્યારે તેણે પહેલી વાર આર. અશ્વિનને બોલિંગ કરતો જોયો હતો. જૂનાગઢમાં તે જ્યાં રહેતો હતો ત્યાં ટીવીનું પ્રસારણ નહોતું એટલે તેણે અશ્વિનને બોલિંગ કરતો જોયો જ નહોતો. જોકે ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ સામેની એક મૅચમાં તેણે ટીવી પર અશ્વિનને જોયો અને તે તેનો ફૅન બની ગયો હતો. મહેશ સાથે નેટમાં થ્રો-ડાઉન માટે પ્રીતેશ જોશીની મદદ લેવામાં આવી રહી છે. વાસ્તવમાં પ્રીતેશે જ મહેશની મદદ લેવાનું ઑસ્ટ્રેલિયન ટીમને સૂચવ્યું હતું અને તેઓ એ માટે તૈયાર થઈ ગયા હતા.