01 January, 2023 06:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીલંકા સામેની સિરીઝ પહેલાં નવા કૅપ્ટને લીધી અમિત શાહની મુલાકાત
શ્રીલંકા સામેની સિરીઝ પહેલાં નવા કૅપ્ટને લીધી અમિત શાહની મુલાકાત
ભારતીય ટી૨૦ ટીમના ફુલટાઇમ કૅપ્ટન તરીકે નવો પ્રવાસ શરૂ કરતાં પહેલાં હાર્દિક પંડ્યા ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા એમના નિવાસસ્થાને ગયો હતો ત્યારે તેની સાથે તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા પણ હતો. હાર્દિક તેમ જ તેના ભાઈએ અમિત શાહને મળતા હોય એવા ફોટો પણ સોશ્યલ મીડિયામાં શૅર કરતાં કહ્યું હતું કે ‘તમારી સાથે સમય વિતાવવા માટે અમને આપેલા આમંત્રણ બદલ આભાર. તમને મળવું એક સન્માન અને લહાવો હતો.’ પંડ્યાની આગેવાની વાળી ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને લોકેશ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ નથી. વળી ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રોહિતની પંસદગી પણ કરવામાં આવી નથી. પંડ્યાની ટી૨૦ બાદ શરૂ થનારી વન-ડેમાં પણ વાઇસ કૅપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. રોહિત હાલ આંગળીની ઈજાની સારવાર લઈ રહ્યો છે.
ટી૨૦ વર્લ્ડ કપમાં પ્રદર્શન મામલે રોહિત અને દ્રવિડ સાથે વાત કરશે બીસીસીઆઇ
ભારતીય ટીમ ગયા વર્ષે આઇસીસી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકી નથી. ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે ૧૦ વિકેટથી હારી ગઈ હતી. એશિયા કપ ૨૦૨૨ની ફાઇનલમાં પણ ભારતીય ટીમ પહોંચી શકી નહોતી. ભારતીય ક્રિકેટ બોર્ડ કૅપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સામે આજે મળનારી મીટિંગમાં આકરો નિર્ણય લઈ શકે છે. ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ આજે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતના ખરાબ પ્રદર્શનની સમીક્ષા કરશે. દ્રવિડની ગેરહાજરીમાં ભારતીય ટીમની સાથે રહેનાર નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીની ચીફ વીવીએસ લક્ષ્મણ પણ બેઠકમાં હાજર રહે એવી શક્યતા છે. શ્રીલંકા સામેની સિરીઝ ત્રીજી જાન્યુઆરીથી શરૂ થશે એ પહેલાં મુંબઈમાં આ બેઠક થશે. આ બેઠકમાં ૨૦૨૩ના વર્લ્ડ કપને લઈને પણ ચર્ચા થાય એવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટી૨૦ વર્લ્ડ કપ બાદ ચેતન શર્માના નેતૃત્વવાળી સિલેક્શન સમિતિને ભંગ કરી નાખી હતી. નવી સમિતિની રચના થઈ ન હોવાથી રણજી ટ્રોફી મૅચ પર નજર રાખવાની અને શ્રીલંકા સામે ત્રણ ટી૨૦ અને એટલી જ વન-ડે મૅચોની સિરીઝ માટે ટીમ પસંદ કરવાની જવાબદારી વીવીએસ લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને સોંપવામાં આવી હતી.
ક્રિકેટર રિષભ પંત જલદી સાજો થાય એવી શુભેચ્છા આપતું સુદર્શન પટનાઈક દ્વારા બનાવવામાં આવેલું રેત-શિલ્પ.