T20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ પર થયો પૈસાનો વરસાદ

01 July, 2024 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડે આપ્યા ૧૨૫ કરોડ રૂપિયા

ઇંડિયન ક્રિકેટ ટીમ પ્લેયર્સ

T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને ૧૨૫ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. દુનિયાના સૌથી પૈસાદાર ક્રિકેટ બોર્ડમાં ભારતીય ક્રિકેટ બોર્ડના નામનો સમાવેશ થાય છે અને એના સેક્રેટરી જય શાહે આ જાહેરાત કરી છે. ઇન્ડિયાએ ૭ રનથી સાઉથ આફ્રિકાને હરાવીને ૧૭ વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. T20 વર્લ્ડ કપ 2024 માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કુલ ૯૩.૭૮ કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું છે. આ ટુર્નામેન્ટમાં ભારતની ટીમ એક પણ મૅચ નથી હારી. ટીમના અદ્ભુત પ્રદર્શન બદલ શુભેચ્છા આપતાં જય શાહે સોશ્યલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ‘ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024નો કપ જીતવા બદલ ટીમ ઇન્ડિયા માટે ૧૨૫ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવાની મને ખુશી થાય છે. આ ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં તેમની અદ્ભુત ટૅલન્ટ, સંકલ્પ અને ખેલભાવનાનું પ્રદર્શન કર્યું છે. દરેક પ્લેયર, દરેક કોચ અને સપોર્ટ-સ્ટાફનો આ અદ્ભુત સિદ્ધિ મેળવવા બદલ આભાર માનું છું.’

રોહિત ઍન્ડ કંપનીએ એક પણ મૅચ હાર્યા વગર ટુર્નામેન્ટ જીતનારી પ્રથમ ટીમ બનીને અસાધારણ પ્રદર્શનથી તેના ટ્રોલર્સને ચૂપ કરી દીધા છે. રોહિત શર્માના નેતૃત્વમાં અને વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને અન્ય ખેલાડીઓની મદદથી તેઓએ ૧.૪ અબજ ભારતીયોનાં સપનાં અને અપેક્ષાઓ પૂર્ણ કર્યાં છે. T20 વર્લ્ડ કપ 2024 માટે ICCની ટોટલ પ્રાઇઝ મની ૯૩.૫૧ કરોડ છે, જેની સરખામણીએ ક્રિકેટ બોર્ડની આ પ્રાઇઝ મની ઐતિહાસિક છે.

sports sports news cricket news rohit sharma board of control for cricket in india t20 world cup