08 January, 2023 06:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબર આઝમ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન બાબર આઝમ હાલ ઘણી ટીકાનો સામનો કરી રહ્યો છે. તેની કૅપ્ટન્સીમાં પાકિસ્તાનની ટીમ સતત ઘરઆંગણે ટેસ્ટ-મૅચ હારતી રહી છે. તાજેતરમાં ઇંગ્લૅન્ડની ટીમે પાકિસ્તાનને ઘરઆંગણે ૩-૦થી હરાવ્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાન ન્યુ ઝીલૅન્ડ સામે બે ટેસ્ટ-સિરીઝ રમ્યું, બન્ને-મૅચ ડ્રૉ રહી. પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે છેલ્લી ટેસ્ટ-મૅચ ફેબ્રુઆરી ૨૦૨૧માં જીતી હતી. અત્યારે બાબર આઝમની કૅપ્ટન્સીની ઘણી ટીકા કરવામાં આવી રહી છે. ન્યુ ઝીલૅન્ડ સામે બીજી ટેસ્ટ ડ્રૉ થયા બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં એક પત્રકારે તેને પૂછ્યું કે ‘કેટલાક લોકો કહી રહ્યા છે કે તમારી ટીમ પરની પકડ નબળી થતી જાય છે. ટીમના ખેલાડીઓ સાથે પણ તમારી મિત્રતા રહી નથી. શાહિદ આફ્રિદીને ચીફ સિલેક્ટર બનાવ્યા બાદ વાઇસ કૅપ્ટન મોહમ્મદ રિઝવાનને બહાર કરવામાં આવ્યો છે. વન-ડેમાં શાન મસૂદને તક મળી છે. ટેસ્ટની કૅપ્ટન્સી પણ તમારી પાસેથી બહુ જલદી લઈ લેવાશે, તમે શું કહેશો.’
પત્રકાર પાસેથી આવો સવાલ સાંભળીને બાબર આઝમને આંચકો લાગ્યો હતો. બાબરે એનો જવાબ આપતાં કહ્યું કે ‘સર, તમને જ ખબર હશે કે કૅપ્ટન્સી કોની પાસે જઈ રહી છે, મને આ વાતની ખબર નથી. મારું કામ મૅચમાં સારું પ્રદર્શન કરવાનું છે અને ટીમ પાસે સારું પ્રદર્શન કરાવવાનું છે.’ પાકિસ્તાનના કૅપ્ટને સ્વીકાર્યું હતું કે ટેસ્ટ-સિરીઝમાં અમારું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી રહ્યું. અમારા કેટલાક ખેલાડીઓ ફિટ નહોતા. જોકે આ કંઈ બહાનું નથી. પિચની પણ વાત કરી શકાય, પરંતુ દરેક સ્થળે પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. પિચ વિશે અમે અમારો અભિપ્રાય આપ્યો છે. મૅચ હારી જાઓ તો પિચને જવાબદાર ગણી ન શકાય. અમે પિચ મુજબ અમારી યોજના બનાવી હોય, પરંતુ પરિણામ એ મુજબ આવ્યું નથી.’
બીજી ટેસ્ટ મૅચમાં ચોથી ઇનિંગ્સમાં શાનદાર ૧૧૮ રન બનાવનાર વિકેટકીપર-બૅટર સરફરાઝ અહમદની પણ તેણે પ્રશંસા કરી હતી
આ પણ વાંચો:બ્રેવિસ પાસેથી શીખવા માગે છે નો લુક શૉટ
ઇન્ઝમામે કર્યો બાબરનો બચાવ
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ ઉલ-હકે બાબર આઝમને ટેકો જાહેર કર્યો છે. તેના મતે કૅપ્ટન્સી એક અઘરી બાબત છે, જે તમે સમય સાથે શીખો છો. પાકિસ્તાન છેલ્લી આઠ ટેસ્ટથી જીતી શક્યું નથી. પરિણામે ઘણા બાબરને હટાવવાની વાત કરી રહ્યા છે. ક્રિકેટ પાકિસ્તાન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં ઇન્ઝમામે કહ્યું હતું કે ‘બાબર પર કૅપ્ટન્સીનું કોઈ દબાણ નથી. તે ટીકાકારોને એના બૅટથી જવાબ આપી રહ્યો છે. હાલ તે જે તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે એમાં તેને આપણા ટેકાની જરૂર છે. કૅપ્ટનનો જેટલો આત્મવિશ્વાસ વધે એટલા સારા નિર્ણય તે લે છે. મને નથી લાગતું કે તેને બદલવો જોઈએ.’