16 August, 2024 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
T20 વર્લ્ડ કપ 2024માં પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બનેલો ભારતીય બોલર જસપ્રીત બુમરાહ હાલમાં વેકેશન પર છે. શ્રીલંકા ટૂર છોડી આરામ કરનાર આ બોલર સપ્ટેમ્બરમાં બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન પણ મેદાન પર પાછો નહીં ફરશે. તે વિરામ બાદ ૧૬ ઑક્ટોબરથી ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝથી ટીમમાં વાપસી કરી શકે છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે ‘બુમરાહ તેના શરીરને સારી રીતે જાણે છે અને એ તેના પર નિર્ભર કરે છે કે તે બંગલાદેશ સામેની ટેસ્ટમાં રમવા માગે છે કે નહીં.
ટીમ-મૅનેજમેન્ટ અને સિલેક્ટર્સ બહુ સ્પષ્ટ છે કે ઑસ્ટ્રેલિયા સામેની પાંચેય ટેસ્ટમૅચ માટે ભારતને ૧૦૦ ટકા ફિટ જસપ્રીત બુમરાહની જરૂર છે, પરંતુ એ પહેલાં ન્યુ ઝીલૅન્ડની ટીમ સામે મુશ્કેલ પડકારનો સામનો કરવા માટે તૈયાર હશે.’
એવું માનવામાં આવે છે કે ભારતીય ટીમ-મૅનેજમેન્ટ અને પસંદગીકારો પેસ બોલિંગમાં વધુ વૈવિધ્ય લાવવા માગે છે એથી સીમ અને સ્વિંગ બોલરોને બુમરાહની જગ્યાએ બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝમાં સ્થાન મળી શકે છે. અર્શદીપ સિંહ અને ખલીલ અહમદ બે વિકલ્પ છે જેમને ભારત માટે ટેસ્ટ-ડેબ્યુ કરવાની તક બંગલાદેશ સિરીઝ દરમ્યાન મળી શકે છે. ૨૬ વર્ષનો ખલીલ અહમદ ૨૦૧૮થી હમણાં સુધી ૨૯ મૅચમાં ૩૧ ઇન્ટરનૅશનલ વિકેટ લઈ શક્યો છે, જ્યારે પચીસ વર્ષના અર્શદીપ સિંહે ૨૦૨૨થી હમણાં સુધી ૬૨ મૅચમાં ૯૫ ઇન્ટરનૅશનલ વિકેટ લઈને ધમાલ મચાવી હતી.
અહેવાલો અનુસાર યશ દયાલ પણ સ્ક્વૉડમાં સામેલ થઈ શકે છે.