૩૯ રને ઑલઆઉટ થઈ યુગાન્ડાએ ૧૦ વર્ષ જૂના લોએસ્ટ સ્કોરના રેકૉર્ડની બરાબરી કરી

10 June, 2024 11:30 AM IST  |  Guyana | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપમાં પાંચ​ વિકેટ લેનાર વેસ્ટ ઇન્ડીઝનો પ્રથમ બોલર બન્યો અકેલ હોસીન

પાંચ વિકેટ લેનાર અકેલ હોસીન

વેસ્ટ ઇન્ડીઝે T20 વર્લ્ડ કપના ઇતિહાસના સૌથી ઓછા સ્કોર પર યુગાન્ડાને હરાવીને ૧૩૪ રનથી મોટી જીત નોંધાવી હતી. કો-હોસ્ટ વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૩ રન બનાવ્યા હતા. જવાબમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી યુગાન્ડાની ટીમ માત્ર ૩૯ રન પર જ ઑલઆઉટ થઈ હતી. આ સાથે યુગાન્ડાએ T20 વર્લ્ડ કપનાં ૧૦ વર્ષ જૂના સૌથી ઓછા ટોટલના રેકૉર્ડની બરાબરી કરી છે. આ પહેલાં વર્ષ ૨૦૧૪માં પણ નેધરલૅન્ડ્સની ટીમ ૩૯ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

૩૧ વર્ષનો સ્પિનર અકેલ હોસીને યુગાન્ડા સામે ૪ ઓવરમાં ૧૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તે T20 વર્લ્ડ કપમાં ફાઇફર લેનાર વેસ્ટ ઇન્ડીઝનો પ્રથમ બોલર બન્યો છે. અકેલ હોસીનના આ બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સની મદદથી વેસ્ટ ઇન્ડીઝે T20 ઇન્ટરનૅશનલમાં ૧૩૪ રને પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. આ પહેલાં આ ટીમે ૨૦૧૪માં પાકિસ્તાન સામે ૮૪ રને જીત મેળવી હતી. 
ગ્રુપ Cમાં વેસ્ટ ઇન્ડીઝની બે મૅચમાં આ બીજી જીત છે, જ્યારે યુગાન્ડાની ૩ મૅચમાં બીજી હાર. સતત બીજી જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે સુપર-એઇટમાં જવાની આશા અકબંધ રાખી છે. અફઘાનિસ્તાનના સમાન ૪ પૉઇન્ટ છે. જોકે સારા રન-રેટના આધારે અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ Cના પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પર છે. 

T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો ટીમ ટોટલ

૩૯    નેધરલૅન્ડ્સ વિરુદ્ધ શ્રીલંકા (૨૦૧૪)
૩૯    યુગાન્ડા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ (૨૦૨૪)
૪૪    નેધરલૅન્ડ્સ વિરુદ્ધ શ્રીલંકા (૨૦૨૧)
૫૫    વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ઇંગ્લૅન્ડ (૨૦૨૧)
૫૮    યુગાન્ડા વિરુદ્ધ અફઘાનિસ્તાન (૨૦૨૪)

t20 world cup uganda west indies cricket news sports sports news