આજે સાઉથ આફ્રિકાના બૅટ્સમેન અને શ્રીલંકાના બોલરોની ટક્કરમાં કોની થશે જીત?

03 June, 2024 11:41 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

બન્ને ટીમો પોતાના મજબૂત પૉઇન્ટ પર ફોકસ કરીને શરૂઆતથી પૉઇન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવવાનો પ્રયાસ કરશે

પ્રતીકાત્મક તસવીર

T20 વર્લ્ડ કપ 2024ની ચોથી મૅચ આજે સાંજે ૮ વાગ્યે ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ગ્રુપ Dની આ મૅચમાં સાઉથ આફ્રિકાના બૅટ્સમેન અને શ્રીલંકાના બોલરો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. બન્ને ટીમો પોતાના મજબૂત પૉઇન્ટ પર ફોકસ કરીને શરૂઆતથી પૉઇન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવવાનો પ્રયાસ કરશે. આ ગ્રુપમાં નેધરલૅન્ડ્સ, બંગલાદેશ અને નેપાલની ટીમ સામેલ છે, જે અપસેટ સર્જી શકે છે.

સાઉથ આફ્રિકામાં કૅપ્ટન ઍડન માર્કરમ, વિકેટકીપર-બૅટ્સમૅન હેન્રિક ક્લાસેન, ક્વિન્ટન ડી કૉક, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા બૅટ્સમેન છે. સાઉથ આફ્રિકાની બોલિંગમાં શ્રીલંકા જેવી વિવિધતાનો અભાવ છે અને એ ફાસ્ટ બોલર કૅગિસો રબાડા અને સ્પિનર ​​તબ્રેઝ શમ્સી પર વધુ આધાર રાખશે.

શ્રીલંકા મધ્ય ઓવરોમાં ફાસ્ટ બોલર મથીશા પથિરાના અને દિલશાન મધુશંકાને બોલિંગ સોંપી શકે છે. જો શ્રીલંકાએ આગળ વધવું હોય તો તેના બૅટ્સમેનને પણ સારું પ્રદર્શન કરવું પડશે. તેમની પાસે અનુભવી ઍન્જેલો મૅથ્યુઝ, વિસ્ફોટક કુસલ મેન્ડિસ અને ધનંજય ડી સિલ્વા જેવા બૅટ્સમેન છે, જ્યારે ભૂતપૂર્વ કૅપ્ટન દાસુન શનાકા નીચલા ક્રમમાં કેટલાક ઝડપી રન બનાવી શકે છે.
વૉર્મ-અપ મૅચ દરમ્યાન શ્રીલંકાએ નેધરલૅન્ડ્સ સામે ૨૦ રને અને આયરલૅન્ડ સામે ૪૧ રને જીત મેળવી હતી. હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામે ૩-૦થી T20 સિરીઝ હારીને આવેલી સાઉથ આફ્રિકાની ટીમ એક પણ વૉર્મ-અપ મૅચ રમી નહોતી. ૨૦૦૭માં જે દેશની ધરતી પર T20 વર્લ્ડ કપ રમાવાની શરૂઆત થઈ એ સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ હજી સુધી એક પણ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતી શકી નથી. જ્યારે ૨૦૧૪માં ચૅમ્પિયન બનનાર શ્રીલંકા પોતાનું બીજું ટાઇટલ જીતવાના ટાર્ગેટ સાથે અભિયાનની શરૂઆત કરશે. 

T20 વર્લ્ડ કપ હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ - ૦૪
સાઉથ આફ્રિકાની જીત - ૦૩
શ્રીલંકાની જીત - ૦૧

t20 world cup south africa sri lanka cricket news sports sports news