T20 ઇન્ટરનૅશનલમાં સાઉથ આફ્રિકાને બંગલાદેશ ક્યારેય હરાવી શક્યું નથી

10 June, 2024 10:30 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર આજે બન્ને ટીમ માટે રમવું સરળ રહેશે નહીં.

ફાઇલ તસવીર

પ્રથમ બે મૅચ જીતીને ગ્રુપ Dમાં ટોચ પર રહેલી સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપમાં પોતાનું વિજય અભિયાન ચાલુ રાખવું હોય તો તેના બૅટ્સમેનોએ આજે સાંજે ૮ વાગ્યે રમાનારી બંગલાદેશ સામેની મૅચમાં સારું પ્રદર્શન કરવું પડશે. નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર આજે બન્ને ટીમ માટે રમવું સરળ રહેશે નહીં. જોકે સાઉથ આફ્રિકા આ ​​મેદાન પર તેની પ્રથમ બે મૅચ રમી ચૂક્યું છે એથી એને થોડો ફાયદો થશે. બંગલાદેશ પણ અહીં ભારત સામે પ્રૅક્ટિસ મૅચ રમ્યું હતું.

સાઉથ આફ્રિકાએ નેધરલૅન્ડ્સ અને શ્રીલંકા સામે જીત નોંધાવી હોવા છતાં તેના બૅટ્સમેન આ બન્ને મૅચમાં નાના ટાર્ગેટનો પીછો કરતી વખતે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. સાઉથ આફ્રિકાના બોલરોએ જોકે અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે અને એથી એના બોલિંગ આક્રમણમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.

બંગલાદેશે શ્રીલંકાને હરાવીને તેમના અભિયાનની શરૂઆત કરી હતી એનાથી એનું મનોબળ વધ્યું હશે, પરંતુ સાઉથ આફ્રિકાની જેમ એના બૅટ્સમેનોએ પણ સારું પ્રદર્શન કરવું પડશે. એના બૅટ્સમેનો ભારત સામેની પ્રૅક્ટિસ મૅચ અને શ્રીલંકા સામેની ગ્રુપ સ્ટેજની મૅચમાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જો બંગલાદેશને સાઉથ આફ્રિકા સામે એની પ્રથમ T20 જીત નોંધાવવી હોય તો લિટન દાસ સિવાય એના બાકીના બૅટ્સમેનોએ પણ સારું પ્રદર્શન કરવું પડશે. ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસન પણ હજી સુધી બૅટ અને બૉલ બન્નેથી પ્રભાવ પાડી શક્યો નથી, જે બંગલાદેશ માટે ચિંતાનો વિષય છે.

હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

કુલ મૅચ

૦૮

સાઉથ આફ્રિકાની જીત

૦૮

બંગલાદેશની જીત

૦૦

t20 world cup south africa sri lanka cricket news sports sports news new york nassau county international cricket stadium