૬ વખત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ રમનાર પાકિસ્તાન સુપર-એઇટની રેસમાંથી આઉટ

16 June, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની ટીમનું આ વર્લ્ડ કપમાં હમણાં સુધીનું સૌથી નબળું પ્રદર્શન રહ્યું છે જેને લઈને ફૅન્સ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોમાં એવો ગુસ્સો છે કે ખેલાડીઓએ મોઢું છુપાવીને ઘરે પાછા ફરવું પડશે

ફાઇલ તસવીર

અમેરિકા-આયરલૅન્ડ વચ્ચે ફ્લૉરિડામાં ૧૪ જૂને આયોજિત મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. મૅચ રદ થવાથી અમેરિકન ટીમને ફાયદો થયો અને એ ગ્રુપ Aમાંથી સુપર-એઇટમાં સ્થાન મેળવનારી ભારત પછી બીજી ટીમ બની છે. એની સૌથી વધુ અસર ૨૦૦૯ની ચૅમ્પિયન ટીમ પાકિસ્તાન પર પડી, જેની સફર ગ્રુપ-સ્ટેજમાં અટકી ગઈ. ૬ વખત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલ રમનાર, બે વખત રનરઅપ અને એક વખત ચૅમ્પિયન બનનાર પાકિસ્તાનની ટીમનું આ વર્લ્ડ કપમાં હમણાં સુધીનું સૌથી નબળું પ્રદર્શન રહ્યું છે જેને લઈને ફૅન્સ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોમાં એવો ગુસ્સો છે કે ખેલાડીઓએ મોઢું છુપાવીને ઘરે પાછા ફરવું પડશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે કેટલાક અધિકારીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓએ PCBના અધ્યક્ષ મોહસિન નકવીને કેન્દ્રીય કરારની સમીક્ષા કરવાની સલાહ આપી છે જેને કારણે હવે પાકિસ્તાનના ખેલાડીઓના પગાર કપાઈ શકે છે. અહેવાલ અનુસાર બાબર આઝમ, બોલર શાહીન શાહ આફ્રિદી અને વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાન વચ્ચે કૅપ્ટન્સી સંદર્ભના વિવાદને કારણે ટીમમાં જૂથવાદ ઊભો થયો છે. પાકિસ્તાનની ટીમ આજે અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ આયરલૅન્ડ સામે રાતે ૮ વાગ્યાથી રમશે. ફ્લૉરિડામાં રમાનારી એ મૅચમાં પણ વરસાદની શક્યતા છે. 

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન
૨૦૦૭ - રનરઅપ 
૨૦૦૮ - ચૅમ્પિયન 
૨૦૧૦ - સેમી ફાઇનલ 
૨૦૧૨ - સેમી ફાઇનલ ક
૨૦૧૪- સુપર-10 
૨૦૧૬ - સુપર-10 
૨૦૨૧ - સેમી ફાઇનલ 
૨૦૨૨ - રનરઅપ

t20 world cup pakistan cricket news sports sports news