ક્રિકેટના મેદાન પર આજે પહેલી વખત અમેરિકા સામે ટકરાશે પાકિસ્તાન

06 June, 2024 10:04 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

ગુજરાતી મોનાંક પટેલના નેતૃત્વમાં વિજયી શરૂઆત કરનાર અમેરિકન ટીમનો જુસ્સો પ્રબળ

પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પાકિસ્તાનની ટીમ

વૈશ્વિક સ્તરે અનેક મુદ્દા પર ક્યારેક સાથે અને ક્યારેક આમને-સામને થનાર અમેરિકા અને પાકિસ્તાન આજે ક્રિકેટના મેદાન પર પહેલી વખત ટકરાશે. આજે રાત્રે ૯ વાગ્યે ટેક્સસમાં કૅપ્ટન બાબર આઝમ અને કૅપ્ટન મોનાંક પટેલની ટીમ ટકરાશે. ૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ હારનાર રનર-અપ ટીમ પાકિસ્તાન વિજયી શરૂઆતની આશા સાથે ઊતરશે, પણ પોતાની ડેબ્યુ મૅચમાં જ જીત સાથે શુભ આરંભ કરનાર ગુજરાતી કૅપ્ટન મોનાંક પટેલ સાથે તેમની ટક્કર સરળ નહીં રહે.

પાકિસ્તાન આયરલૅન્ડ સામે T20 ઇન્ટરનૅશનલ મૅચ હારી ગયું હતું, જ્યારે અેને ઇંગ્લૅન્ડ સામે ૦-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો જે T20 વર્લ્ડ કપ માટેની તેની તૈયારીઓ માટે સારી ન હતી. જોકે પાકિસ્તાનની ટીમમાં શાહીન આફ્રિદી, નસીમ શાહ, હારિસ રઉફ અને મોહમ્મદ આમિર જેવા ધુરંધર બોલર્સ છે. ૨૦૦૭ અને ૨૦૨૨માં રનર-અપ બનનારી પાકિસ્તાનની ટીમ ૨૦૦૯ બાદ પોતાના બીજા T20 વર્લ્ડ કપ ટાઇટલને જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે.

પ્રથમ મૅચમાં કૅનેડાને સાત વિકેટથી હરાવ્યા બાદ અમેરિકાની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. પોતાની જ ધરતી પર પાકિસ્તાનને હરાવીને એ મોટો અપસેટ સર્જવા માટે તત્પર રહેશે. 

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન 

૨૦૦૭ – રનર-અપ 
૨૦૦૯ - ચૅમ્પિયન 
૨૦૧૦ - સેમી ફાઇનલ
૨૦૧૨ - સેમી ફાઇનલ 
૨૦૧૪ - સુપર 10 
૨૦૧૬ - સુપર 10 
૨૦૨૧ - સેમી ફાઇનલ 
૨૦૨૨ – રનર-અપ

ભારત-પાકિસ્તાન મૅચ પહેલાં બાબરસેનાને મોટો ફટકો

ઑલરાઉન્ડર ઇમાદ વસીમ સ્નાયુઓમાં ખેંચાણના કારણે આજે અમેરિકા સામે T20 વર્લ્ડ કપની ઓપનિંગ મૅચમાં રમી શકશે નહીં. બાબર આઝમે ગઈ કાલે કહ્યું હતું કે વસીમ માંસપેશીના દુખાવામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. T20 વર્લ્ડ કપ પહેલાં રિટાયરમેન્ટમાંથી યુટર્ન લેનાર ઇમાદ વસીમ હાલમાં મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો છે. 

આજની અન્ય બે મૅચ

યુગાન્ડા વિરુદ્ધ પાપુઆ ન્યુ ગિની - સવારે પાંચ વાગ્યે
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓમાન - સવારે ૬ વાગ્યે

t20 world cup united states of america pakistan cricket news sports sports news