ડૉલર-વસૂલ મૅચ જોઈને અમેરિકન ગુજરાતીઓ ખુશ

11 June, 2024 07:05 AM IST  |  Washington | Shailesh Nayak

લો સ્કોરિંગ મૅચમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો એક્સાઇટિંગ વિજય થતાં સ્ટેડિયમમાં બેઠેલા ૧૫ હજારથી વધુ ગુજરાતીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા

ભારત-પાકિસ્તાનની મૅચ જોવા આવેલાં મીત વીરા, કાજલ મહેતા, હર્ષિલ અખાણી, અશ્વજિત સોમેશ્વર અને સ્વરાજ તકલકર.

T20 ક્રિકેટ વર્લ્ડ કપની અમેરિકાના ન્યુ યૉર્કમાં રવિવારે રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રોલર-કોસ્ટર રાઇડ જેવી રોમાંચક બની ગઈ હતી અને મૅચ જોવા ગયેલા અમેરિકન ગુજરાતીઓના ડૉલર વસૂલ થઈ ગયા હતા. લો સ્કોરિંગ મૅચમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો એક્સાઇટિંગ વિજય થતાં સ્ટેડિયમમાં બેઠેલા અંદાજે ૧૫ હજારથી વધુ ગુજરાતીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

સોશ્યલ મીડિયામાં આ ભારતીયનો ફોટો બહુ જ વાઇરલ થયો છે, જેમાં તેણે પ્રાઇસલેસની વાત જણાવી છે.

ન્યુ જર્સી પાસે આવેલા રોધરફર્ડમાં રહેતા જયેશ વઘાસિયાએ સ્ટેડિયમમાંથી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમેરિકામાં ભારત-પાકિસ્તાનની મૅચ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને રોમાંચક બની રહી હતી. મારી સાથે મારા મિત્રો પરેશ માંગુકિયા, હસમુખ સાવલિયા, ભરત માંગુકિયા અને પ્રફુલ પટેલ મૅચ જોવા આવ્યા હતા. સ્ટેડિયમમાં અંદાજે ૧૫ હજારથી વધુ ગુજરાતીઓ મૅચ જોવા આવ્યા હતા. આ ઉપરાંત અન્ય ભારતીયો પણ હતા. મોટા ભાગના સ્ટેડિયમમાં તમે જ્યાં નજર કરો ત્યાં ભારતીયો દેખાતા હતા. આવું પહેલી વાર બન્યું હશે કે આ મૅચમાં સ્ટેડિયમ હાઉસફુલ હતું. મારા મતે રિષભ પંતે જે રન બનાવ્યા અને જસપ્રીત બુમરાહે વિકેટો ઝડપી એ ભારત માટે મહત્ત્વનાં બની ગયાં. વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઈ ગયો ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા સૌ નાસીપાસ થઈ ગયા હતા. આપણી ટીમ ફીલ્ડિંગ અને બોલિંગમાં ચુસ્ત રહી અને ટીમ-વર્કથી રોહિત શર્માની કૅપ્ટનસીમાં મૅચ જીતી ગયા અને અમારા સહિત અંદાજે ૧૫ હજાર જેટલા ગુજરાતીઓની સાથે-સાથે મૅચ જોવા આવેલા તમામ દર્શકો આ અદ્ભુત મૅચના સાક્ષી બન્યા હતા.’

બૉસ્ટનમાં રહેતા મીત વીરાએ સ્ટેડિયમમાંથી ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૅચ બહુ જ હાર્ટબ્રેકિંગ

પાકિસ્તાન સામે ભારત જીતી જતાં મૅચ જોવા આવેલા જયેશ વઘાસિયા, પરેશ માંગુકિયા, હસમુખ સાવલિયા, ભરત માંગુકિયા અને પ્રફુલ પટેલ સ્ટેડિયમમાં ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. બની હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા સહિતના ખેલાડીઓની વિકેટો પડતાં ઘણાબધા ઇમોશનલ થઈ ગયા હતા. મારી સાથે મારાં મિત્રો કાજલ મહેતા, હર્ષિલ અખાણી, અશ્વજિત સોમેશ્વર અને સ્વરાજ તકલકર બધાં એક તબક્કે નાખુશ થઈ ગયાં હતાં. જોકે રોહિત શર્માએ રાઇટ ટાઇમે જસપ્રીત બુમરાહને બોલિંગ આપી અને તેણે મોહમ્મદ રિઝવાનને ક્લીન બોલ્ડ કર્યો એની સાથે જાણે કે અમે મૅચ જોવા ખર્ચેલા ડૉલર વસૂલ થઈ ગયા. રિઝવાનની વિકેટ પડતાં સ્ટેડિયમમાં જાન આવી ગઈ, જાણે સ્ટેડિયમ જીવંત બની ગયું હોય એમ સૌ ઉત્સાહમાં આવી ગયા. જોકે આપણી બૅટિંગ ખરાબ રહી હતી. ૧૧૯ રનનો સ્કોર થતાં સ્ટેડિયમમાં બેઠેલા અમારા સહિતના ગુજરાતીઓ અને ભારતીયોને એવું લાગ્યું કે હવે તો હારી જઈશું. ધડાધડ પડતી વિકેટો જોઈને સ્ટેડિયમમાં બેઠેલા ઘણાબધાનાં હાર્ટ બ્રેક થયાં, પણ બોલિંગમાં ખાસ કરીને ૧૦મી ઓવર પછી જાણે કે ભારતીય બોલરોનો જાદુ ચાલ્યો.’

sports news sports cricket news t20 world cup pakistan indian cricket team