ગુલબદીનનો ડ્રામા જોઈને હસતાં-હસતાં રડી પડ્યો ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ

27 June, 2024 12:39 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મિચલ માર્શે અફઘાનિસ્તાનના ગુલબદીન નાયબે બંગલાદેશ સામેની મૅચમાં કરેલા ઈજાના નાટકને ક્રિકેટના મેદાનની સૌથી મનોરંજક ઘટનામાંની એક ગણાવી હતી

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન મિચલ માર્શ

ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિચલ માર્શે અફઘાનિસ્તાનના ગુલબદીન નાયબે બંગલાદેશ સામેની મૅચમાં કરેલા ઈજાના નાટકને ક્રિકેટના મેદાનની સૌથી મનોરંજક ઘટનામાંની એક ગણાવી હતી. મિચલ માર્શે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હસતાં-હસતાં મારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને આખરે એની રમત પર કોઈ અસર થઈ નહોતી. એ એક મજાની ઘટના હતી.

ટુર્નામેન્ટમાં બની રહેવું સંપૂર્ણપણે અમારા નિયંત્રણની બહાર હતું એમ જણાવતાં માર્શે કહ્યું હતું કે ‘એના માટે અમે પોતે જ જવાબદાર છીએ. જ્યારે છેલ્લી વિકેટ પડી ત્યારે અમે સંપૂર્ણપણે નિરાશ થયા હતા. અમે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે ઉત્સુક હતા, પરંતુ અફઘાનિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચવાને લાયક હતી, તેમણે અમને અને બંગલાદેશને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે.’ 

અશ્વિને કર્યું ગુલબદીનનું સમર્થન

રવીચન્દ્રન અશ્વિને તેની યુટ્યુબ ચૅનલ પર કહ્યું હતું કે ‘હેડ કોચ જૉનથન ટ્રૉટ ડ્રેસિંગ રૂમમાંથી રમતની ગતિ ધીમી કરવાનો સંકેત આપી રહ્યો હતો અને એ પછી નાયબ ઝાડની તૂટેલી ડાળીની જેમ મેદાન પર પડ્યો હતો. બધા કહી રહ્યા છે કે તેને આની સજા મળશે, પરંતુ સમસ્યા શું છે? તે પોતાના દેશ માટે રમી રહ્યો છે અને વર્લ્ડ કપમાં ‘કરો યા મરો’ મૅચ જીતવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ICCના રમવાના નિયમો અનુસાર એક ખેલાડીને જાણી જોઈને અથવા વારંવાર સમયનો વ્યય કરવા બદલ બે મૅચ માટે પ્રતિબંધિત કરી શકાય છે, પરંતુ આ કિસ્સામાં મૅચ-રેફરીની પ્રથમ અને છેલ્લી ચેતવણીને કારણે પેનલ્ટી બચાવી શકાય છે.’ 

t20 world cup afghanistan australia mitchell marsh cricket news sports sports news