14 June, 2024 09:41 AM IST | New York | Gujarati Mid-day Correspondent
ન્યુ યૉર્કના સ્ટેડિયમમાં મૅચ જોવા આવેલા પ્રીતેશ પટેલ, હિરેન પટેલ તથા મિત્રો
અમેરિકાના ન્યુ યૉર્કમાં બુધવારે ભારત અને અમેરિકા વચ્ચે રમાયેલી T20 ક્રિકેટ વર્લ્ડ કપની મૅચ ટીમ ઇન્ડિયા જીતી જતાં સ્ટેડિયમમાં બેસીને મૅચ જોઈ રહેલા હજારો અમેરિકન ગુજરાતીઓ ખુશ થઈ ગયા હતા. લો-સ્કોરિંગ મૅચમાં પહેલાં અર્શદીપની બોલિંગથી અને ત્યાર બાદ સૂર્યકુમાર યાદવની બૅટિંગથી ભારતીય ફૅન્સ ઝૂમી ઊઠ્યા હતા.
ન્યુ યૉર્કના સ્ટેડિયમમાં હિરેન પટેલ, ભાવેશ પટેલ તથા ડૉ. જયેશ પટેલ સહિતના મિત્રો
ન્યુ યૉર્કના સ્ટેડિયમમાં મિતી અને અક્ષત શાહ
મૂળ કાંદિવલીના અને અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોના ફ્રીમૉન્ટમાં રહેતાં મિતી અને અક્ષત શાહ બૅકટુબૅક ભારતની બે મૅચ જોઈને રોમાંચિત થઈ ગયાં હતાં. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઍક્ચ્યુઅલી અમને એવું લાગ્યું હતું કે સ્ટેડિયમ ખાલી હશે, પણ અમારા આશ્ચર્ય વચ્ચે સ્ટેડિયમ ૮૦ ટકા ભરાયેલું હતું. અમે જ્યાં બેઠાં હતાં ત્યાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વૉર્મઅપ કરતા હતા એટલે બધા પ્લેયર્સ નજીકથી જોવા મળ્યા. વિરાટ કોહલીના અમે ફૅન છીએ એટલે તેની બૅટિંગ જોવા માટે એક્સાઇટેડ હતા, પરંતુ તે ઝીરોમાં આઉટ થતાં સ્ટેડિયમમાં બેઠેલા અમારા સહિત ઘણા બધા નારાજ થઈ ગયા હતા. જોકે અમને શ્યૉર હતું કે ટીમ ઇન્ડિયા આ મૅચ જીતશે જ અને સૂર્યકુમાર યાદવ તથા શિવમ દુબેએ છેલ્લે સુધી રમીને મૅચને જિતાડી દેતાં બહુ મજા આવી.’