આજે અમેરિકાની ધરતી પર પહેલી વાર મેન ઇન બ્લુ V/S મેન ઇન ગ્રીન

09 June, 2024 08:25 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રાતે ૮ વાગ્યે શરૂ થશે ભારત અને પાકિસ્તાનની મૅચ : સાંજે ૭.૩૦ વાગ્યે ટૉસના સમયે વરસાદની સંભાવના ૪૦થી ૫૦ ટકા : આતંકવાદી હુમલાની ધમકીને કારણે હાઈ સિક્યૉરિટી વચ્ચે રમાશે મૅચ

ગઈ કાલે ન્યુ યૉર્કના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતા વિરાટ કોહલી, રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલ

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આજે આઠમી વખત ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. આત્મવિશ્વાસથી ઓતપ્રોત રોહિતસેના અને તૂટેલા મનોબળવાળી બાબરસેનાની ટક્કર આજે રાતે ૮ વાગ્યે શરૂ થશે. આતંકવાદી હુમલાની ધમકી બાદ આજે ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારે સુરક્ષા જોવા મળશે. ૩૪,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં હેલિકૉપ્ટર, સ્ક્રીનિંગ મશીન, ડૉગ સ્ક્વૉડ, વૉચ ટાવર અને સ્નાઇપર્સની સુરક્ષા વચ્ચે આજે અમેરિકાની ધરતી પર ભારત અને પાકિસ્તાન પહેલી વખત ટકરાશે.

નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની ડ્રૉપ ઇન પિચ એના અસાધારણ બાઉન્સને કારણે ચર્ચાનો વિષય બની હતી. બૅટ્સમેનો માટે આ પિચ ખતરો ન બને એ માટે ICCએ જરૂરી પગલાં લેવા વિશે નિવેદન પણ આપ્યું હતું. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમે ૨૦૨૧માં ભારત સામે ૧૦ વિકેટે એકમાત્ર જીત મેળવી હતી. હેડ-ટુ-હેડ રેકૉર્ડને જોતાં ભારતીય ટીમ આજની મૅચમાં જીતવા માટે હૉટ ફેવરિટ છે. 
ભારતીય ટીમે પ્રથમ ગ્રુપ સ્ટેજ મૅચમાં આયરલૅન્ડને ૮ વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી, જ્યારે પાકિસ્તાનની ટીમ અમેરિકા સામે સુપર ઓવરમાં હારીને દુનિયા સામે હાંસીપાત્ર બની હતી. ભારત સામે પાકિસ્તાને જીત મેળવવી જરૂરી છે. આજે હાર થતાં કૅપ્ટન બાબર આઝમની ટીમને સુપર-એઇટમાં પહોંચવામાં મુશ્કેલી થશે. 

3500

પોલીસ-કર્મચારી મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં સુરક્ષા માટે હાજર રહેશે.

ભારત-પાકિસ્તાન મૅચની સુરક્ષાવ્યવસ્થા થોડાં વર્ષો પહેલાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાગત માટે કરવામાં આવી હતી એવી જ છે. - નાસાઉ કાઉન્ટીના પોલીસ કમિશનર પેટ્રિક રાયડર

સુપરડુપર મૅચમાં વરસાદ બની શકે છે વિલન

વેધર ફોરકાસ્ટ અનુસાર ન્યુ યૉર્કમાં ભારત-પાકિસ્તાનની મૅચ પહેલાં ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ વાગ્યે વરસાદની સંભાવના છે. તાપમાન ૨૫ ડિગ્રી સેલ્સિયસ અને હ્યુમિડિટી ૫૮ ટકા રહેશે. ૪૦થી ૫૦ ટકા વરસાદની સંભાવના હોવાથી ટૉસ થોડો મોડેથી થઈ શકે છે. 

હેડ-ટુ-હેડ રેકૉર્ડ

 

T20 ઇન્ટરનૅશનલ

T20 વર્લ્ડ કપ

કુલ મૅચ

 ૧૨

ભારતની જીત

૦૮

૦૫

પાકિસ્તાનની જીત

૦૩

૦૧

ટાઇ

૦૧

૦૧

 

ભારત-પાકિસ્તાનની મૅચમાં કયા ખેલાડીઓ પર રહેશે નજર? 

T20 ઇન્ટરનૅશનલમાં પાકિસ્તાન સામે ભારતીય બૅટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી ધમાલ મચાવતા હોય છે, જ્યારે બોલર્સમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે વધારે વિકેટ લીધી છે. પાકિસ્તાન તરફથી ભારત સામે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ જેવા બૅટર્સ અને હારિસ રઉફ અને મોહમ્મદ આમિર અસરકારક સાબિત થયા છે. ચાલો જાણીએ તેમના વિરોધી ટીમ સામેના રેકૉર્ડ્સ. 

ભારતીય બૅટર્સ અને બોલર્સનો પાકિસ્તાન સામેનો રેકૉર્ડ 

વિરાટ કોહલી 
મૅચ - ૧૦
રન - ૪૮૨
સ્ટ્રાઇક-રેટ - ૧૨૩.૮૫

રોહિત શર્મા 
મૅચ - ૧૧
રન - ૧૧૪
સ્ટ્રાઇક-રેટ - ૧૧૮.૭૫

હાર્દિક પંડ્યા 
મૅચ - ૬ 
વિકેટ - ૧૧
ઇકૉનૉમી - ૭.૫૪

અર્શદીપ સિંહ 
મૅચ - ૦૩
વિકેટ - ૦૬
ઇકૉનૉમી - ૭.૮૮

પાકિસ્તાની બૅટર્સ અને બોલર્સનો ભારત સામેનો રેકૉર્ડ 

મોહમ્મદ રિઝવાન  
મૅચ - ૦૪
રન - ૧૯૭
સ્ટ્રાઇક-રેટ - ૧૨૩.૧૨ 

બાબર આઝમ 
મૅચ - ૦૪
રન - ૯૨
સ્ટ્રાઇક -રેટ - ૧૨૭.૭૭

હારિઝ રઉફ
મૅચ - ૪
વિકેટ - ૪
ઇકૉનૉમી - ૮.૩૭

મોહમ્મદ આમિર 
મૅચ - ૨
વિકેટ - ૪
ઇકૉનૉમી - ૭.૨૫

T20 વર્લ્ડ કપમાં સિક્સર કિંગ બનવાથી રોહિત શર્મા કેટલો દૂર?

T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિમાં ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્મા પાસે ‘સિક્સર કિંગ’ બનવાની તક છે. વેસ્ટ ઇન્ડીઝનો દિગ્ગજ ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૬૩ સિક્સર ફટકારી છે, જ્યારે રોહિત શર્માએ ૩૮ સિક્સર ફટકારી છે. ‘યુનિવર્સ બૉસ’ ક્રિસ ગેઇલને પછાડીને સિક્સર કિંગ બનવા માટે ૨૬ સિક્સર ફટકારવી પડશે. નિવૃત્ત ક્રિસ ગેઇલની ગેરહાજરીમાં આ સિક્સર કિંગની રેસમાં ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જોસ બટલર (૩૩ સિક્સર) પણ હિટમૅનને ટક્કર આપતો જોવા મળશે.

T20 વર્લ્ડ કપમાં વધુ સિક્સર કોની?

ક્રિસ ગેઇલ ૬૩ 
રોહિત શર્મા  ૩૮ 
જોસ બટલર ૩૩ 
યુવરાજ સિંહ ૩૩ 
શેન વૉટ્સન ૩૧ 

t20 world cup india pakistan indian cricket team rohit sharma virat kohli yashasvi jaiswal suryakumar yadav ravindra jadeja arshdeep singh jasprit bumrah Kuldeep Yadav hardik pandya new york nassau county international cricket stadium united states of america cricket news sports sports news