ISISની ધમકી બાદ T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મૅચ પર હવે લોન વુલ્ફ અટૅકનો પણ છે ખતરો

31 May, 2024 08:47 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ રમાવાની છે

ન્યુ યૉર્કનું નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ

અમેરિકામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની હાઈ-પ્રોફાઇલ મૅચ વખતે હુમલો કરવાની ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)એ ધમકી આપ્યા બાદ હવે નવમી જૂને યોજાનારી આ મૅચ વખતે લોન વુલ્ફ અટૅક થઈ શકે છે એવી વૉર્નિંગને ધ્યાનમાં રાખીને સલામતી-વ્યવસ્થા એકદમ સઘન કરવામાં આવી છે.

ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ રમાવાની છે. ન્યુ યૉર્કના પોલીસ-કમિશનર પૅટ્રિક રાયડરે જણાવ્યું હતું કે ‘આતંકવાદી સંગઠન ISIS દ્વારા મૅચ દરમ્યાન હુમલાની ધમકી આપવામાં આવ્યા બાદ અમે વધારાના ૧૦૦ સુરક્ષા જવાનો તહેનાત કર્યા છે. અમને આ પ્રકારની ધમકીઓ અવારનવાર મળે છે અને દરેક ધમકીને અમે ગંભીરતાથી લઈએ છીએ.’

પૅટ્રિક રાયડરે લોન વુલ્ફ અટૅકના સંદર્ભમાં કહ્યું હતું કે ‘જ્યારે તમારે આટલી મોટી ગેમ અને ક્રાઉડનું મૅનેજમેન્ટ કરવાનું હોય ત્યારે કોઈ પણ વાતને હળવાશથી ન લેવાય. અમે લોકોની સેફ્ટી અને સિક્યૉરિટીને ધ્યાનમાં રાખીને કોઈ ચાન્સ લેવા નથી માગતા અને એટલે જ ઝીણામાં ઝીણી વિગતો ભેગી કરી રહ્યા છીએ. હું તમને ગૅરન્ટી આપું છું કે આ દેશના ઇતિહાસમાં ક્યારેય જોવા નહીં મળી હોય એવી સિક્યૉરિટી તમને નવમી જૂને જોવા મળશે એટલું જ નહીં, હું તમને એ પણ ગૅરન્ટી આપું છું કે નવમી જૂને નાસાઉ કાઉન્ટીમાં સૌથી સેફેસ્ટ પ્લેસ ‌સ્ટેડિયમ હશે.’
નાસાઉ કાઉન્ટીના એક્ઝિક્યુટિવ બ્રુસ બ્લૅકમૅને જણાવ્યું હતું કે સ્ટેડિયમ તથા આસપાસની જગ્યાઓ સુરક્ષિત રહે એ માટે અમે ખાસ વ્યવસ્થા કરી છે.

લોન વુલ્ફ અટૅક એટલે શું?

કોઈ આતંકવાદી સંગઠન કે સમૂહ દ્વારા નહીં, પણ એક વ્યક્તિ દ્વારા સંખ્યાબંધ લોકોને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવતા હુમલાને લોન વુલ્ફ અટૅક તરીકે ઓળ‌ખવામાં આવે છે. આવી વ્ય​ક્તિ કોઈની પણ સાથે મળીને હુમલો નથી કરતી. અમેરિકા તથા જપાન સહિતના દેશોમાં એક વ્યક્તિ દ્વારા જાહેરમાં હુમલાની આવી અનેક ઘટનાઓ નોંધાઈ છે.

આખી ભારતીય ટીમ ન્યુ યૉર્કમાં વિરાટ કોહલી આજે પહોંચશે

૨૫ મેથી ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024 માટે બે બૅચમાં અમેરિકાના ન્યુ યૉર્ક પહોંચી હતી. પ્રથમ બૅચમાં કૅપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ સહિતના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ન્યુ યૉર્ક પહોંચ્યો હતો. બીજા બૅચમાં યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જાયસવાલ અને આવેશ ખાન પહોંચ્યા હતા. જ્યારે સંજુ સૅમસન, વાઇસ કૅપ્ટન હાર્દિક પંડ્યા અને રિન્કુ સિંહ પણ ગુપચુપ રીતે ન્યુ યૉર્ક પહોંચી ભારતીય ટીમ સાથે જોડાયા હતા. વિરાટ કોહલી આજે ન્યુ યૉર્ક પહોંચે એવી સંભાવના છે, જેને કારણે તે ૧ જૂને બંગલાદેશ સામેની વૉર્મ-અપ મૅચ ગુમાવી શકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની એલિમિનેટર મૅચ બાદ અને T20 વર્લ્ડ કપ વચ્ચે તેણે ફૅમિલી સાથે સમય પસાર કરવા ભારતીય ક્રિકેટ બોર્ડ પાસે મિની-બ્રેક માગ્યો હતો.

t20 world cup india pakistan world t20 t20 international wt20 new york terror attack isis isi cricket news sports sports news virat kohli rohit sharma rahul dravid Yuzvendra Chahal yashasvi jaiswal avesh khan sanju samson hardik pandya rinku singh