T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની T20 મૅચ પર આતંકનો ઓછાયો

30 May, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ISIS તરફી એક ગ્રુપે ધમકી આપતાં કહ્યું કે તમે મૅચની રાહ જોઈ રહ્યા છો અને અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ

ગઈ કાલે ન્યુ યૉર્કમાં ટ્રેઇનિંગ સેશન દરમ્યાન ભારતીય ક્રિકેટરો

T20 મેન્સ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર નવમી જૂને ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 મૅચ રમાવાની છે. આ મૅચ જોવા માટે ક્રિકેટરસિકો એકદમ તૈયાર છે, પણ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) તરફી એક ગ્રુપે આતંકની ધમકી આપી હોવાનું જાણવા મળે છે. અહેવાલોમાં એવું જણાવવામાં આવ્યું છે કે ન્યુ યૉર્કમાં રમાનારી આ મૅચમાં આતંકવાદી હુમલો થશે.

આ ધમકી મુદ્દે જે વાઇરલ ગ્રાફિક દર્શાવવામાં આવ્યાં છે એમાં હૂડી પહેરેલો એક માણસ હાથમાં રાઇફલ લઈને ઊભો રહેલો દેખાય છે. એમાં મેસેજ લખવામાં આવ્યો છે કે તમે મૅચ માટે રાહ જુઓ છો અને અમે તમારા માટે રાહ જોઈએ છીએ.

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘મૅચ જોવા આવનારા તમામ લોકોની સલામતી અને સુરક્ષાની જવાબદારી અમારી સૌથી પહેલી પ્રાયોરિટી છે. અમે સ્ટેડિયમ પર સલામતી સર્વાંગી અને ફૂલપ્રૂફ બનાવી છે. અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છીએ અને પરિસ્થિતિનું પરીક્ષણ અને સમીક્ષા કરી રહ્યા છીએ. અમે કોઈ પણ જોખમને ઘટાડવા માટે યોજના બનાવી રહ્યા છીએ.’

મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની મૅચો કૅરિબિયન આઇલૅન્ડ્સ અને અમેરિકામાં ૧ જૂનથી ૨૯ જૂન વચ્ચે યોજાશે અને એમાં ભારતની તમામ ગ્રુપ સ્ટેજની મૅચો અમેરિકામાં જ રમાવાની છે.

આ મહિનાની શરૂઆતમાં વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ બોર્ડને પણ T20 વર્લ્ડ કપના આયોજનને લઈને આતંકવાદની ધમકી મળી હતી. આ ધમકી નૉર્થ પાકિસ્તાનથી મોકલવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જોની ગ્રેવ્ઝે કહ્યું હતું કે અમે તમામ સ્થળે યોગ્ય રીતે ચેકિંગ કરીશું જેથી ખેલાડીઓ કે ક્રિકેટરસિકોને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે કે તેમના જીવને કોઈ જોખમ ન હોય.

t20 world cup india pakistan isi isis cricket news sports sports news