08 June, 2024 08:50 AM IST | New York | Gujarati Mid-day Correspondent
નીતીશ કુમાર
લોકસભાની ચૂંટણીમાં મતગણતરીની છેલ્લી ‘ઓવર’ પછી જેમ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનું કદ વધી ગયું છે એમ જ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મૅચમાં પણ છેલ્લી ઓવરમાં અમેરિકાની ટીમના નીતીશ કુમારની બૅટિંગ નિર્ણાયક બની હતી. મૅચની છેલ્લી ઓવરમાં નીતીશના ચોગ્ગાને કારણે અમેરિકાનો સ્કોર પાકિસ્તાન જેટલો એટલે કે ૧૫૯ થયો હતો. એ પછી મૅચ સુપર ઓવરમાં ગઈ હતી. જો નીતીશે ચોગ્ગો માર્યો ન હોત તો અમેરિકા જીતી શક્યું ન હોત. બાદમાં સુપર ઓવરમાં ૧૮ રન કરનાર અમેરિકા જીતી ગયું હતું.
રસપ્રદ વાત એ છે કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ઇલેક્શન પહેલાં ‘ઇન્ડિયા’ ગઠબંધન છોડીને BJP સાથે હાથ મિલાવ્યા હતા. ક્રિકેટના નીતીશ કુમારે પણ વર્લ્ડ કપ પહેલાં ‘પાર્ટી’ બદલી નાખી હતી. નીતીશ અગાઉ કૅનેડાની ટીમમાં હતો, પણ બાદમાં તે અમેરિકાની ટીમમાં જોડાઈ ગયો હતો.