મેદાન પર બૅટ્સમેનોને હેરાન કરવાનું અને મેદાન બહાર કોડિંગ કરવું ગમે છે સૌરભ નેત્રાવળકરને

09 June, 2024 09:20 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

બાબરસેનાને હરાવનાર આ મુંબઈકર છે શિવભક્ત

સૌરભ નેત્રાવળકર

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અમેરિકાની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ૩૨ વર્ષના ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવળકરને સુપર ઓવરમાં મળેલી ઐતિહાસિક જીત પર હજી વિશ્વાસ નથી થયો. તે હજી પણ અમેરિકાની એ યાદગાર જીતની વાસ્તવિકતા સ્વીકારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ૧૯૯૧માં મુંબઈમાં જન્મેલા સૌરભે ૨૦૨૨ની T20 વર્લ્ડ કપની રનર-અપ ટીમ પાકિસ્તાનને સુપર ઓવરમાં ટાર્ગેટ સુધી પહોંચવા નહીં દીધી અને રાતોરાત ક્રિકેટજગતનો નવો સ્ટાર બની ગયો હતો.

એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે ‘જ્યારે તમને કોઈ કામ ગમે છે ત્યારે તમે એ કામમાં દબાણ નથી અનુભવતા. એથી જ્યારે હું મેદાન પર હોઉં છું ત્યારે મને બોલિંગ કરવી અને બૅટ્સમેનોને પરેશાન કરવાનું ગમે છે અને મેદાનની બહાર મને કોડિંગ કરવું ગમે છે. એથી જ ક્યારેય એવું લાગ્યું નથી કે મને કંઈ પણ કરવાની ફરજ પાડવામાં આવી છે.’

સોશ્યલ મીડિયા પર ગિટાર સાથે ઓમ નમઃ સિવાયનો જાપ કરતો સૌરભનો વિડિયો પણ વાઇરલ થયો છે જેના પરથી તે શિવભક્ત હોવાની જાણ આખી દુનિયાને થઈ હતી.

૧૭ જૂન સુધી લીધી છે રજા

અહેવાલો અનુસાર અમેરિકન ટીમમાં રમતા મોટા ભાગના ક્રિકેટર્સની આ પાર્ટ ટાઇમ જૉબ છે. અમેરિકા માટે એક મૅચ રમવાના તેમને ૨૦,૦૦૦ રૂપિયા મળે છે. ઑરૅકલ કંપનીમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા સૌરભ નેત્રાવળકરે ૧૭ જૂન સુધીની રજા લીધી છે. જો અમેરિકા સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચશે તો તે પોતાની રજા લંબાવશે.

t20 world cup united states of america mumbai cricket news sports sports news