T20 World Cup 2024 Finals: રોહિત સેના બની ચેમ્પિયન, ભારતે જીત્યો વર્લ્ડકપ

29 June, 2024 11:41 PM IST  |  Barbados | Gujarati Mid-day Online Correspondent

T20 World Cup 2024 Finals: India vs South Africa – ૧૭ વર્ષ પછી આવ્યો ટી૨૦ વર્લ્ડ કપ ભારતને હાથ, સાઉથ આફ્રિકાના સપના ચકનાચૂર

ચેમ્પિયન ટીમ (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)

આખું ભારત (India) જેની વર્ષોથી રાહ જોઈ રહ્યું હતું તે ઝળહળતી આઇસીસી ટ્રોફી (ICC Trophy)  ભારતમાં આવી ગઈ છે. ભારતે શનિવારે બ્રિજટાઉન (Bridgetown) બાર્બાડોસ (Barbados) ખાતે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ (T20 World Cup 2024) ની ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકા (South Africa) ને સાત રનથી હરાવીને ટાઇટલ જીત્યું.

ફાઈનલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવીને ૧૭૬ રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ફાઇનલ મેચ રમી રહી હતી, તેણે સખત સંઘર્ષ કર્યો હતો પરંતુ ૨૦ ઓવરમાં માત્ર ૧૬૯ રન જ બનાવી શકી હતી અને તે ટાઇટલથી વંચિત રહી હતી. જ્યારે ભારતની ઝોલીમાં ટ્રોફી આવી હતી.

આ સાથે જ ભારત બીજી વખત T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. વર્ષ ૨૦૦૭માં ભારતે પ્રથમ વખત આ ટ્રોફી જીતી હતી. આ સાથે ભારત બીજી વખત T20 ટાઈટલ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. આ પહેલા તેણે ઈંગ્લેન્ડ (England) અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies) એ આ ખિતાબ જીત્યો છે. ભારતે ICC ટ્રોફીના દુષ્કાળ અને T20 વર્લ્ડ કપના દુષ્કાળનો અંત કર્યો જે ૧૭ વર્ષથી ચાલી રહ્યો હતો.

૧૭૭ રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને સારી શરૂઆત કરવા દીધી ન હતી. જસપ્રિત બુમરાહે બીજી ઓવરના ત્રીજા બોલ પર રીઝા હેન્ડ્રિક્સને બોલ્ડ કર્યો હતો. ત્રીજી ઓવરમાં અર્શદીપે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામને ઋષભ પંતના હાથે કેચ કરાવ્યો હતો. તે ચાર રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન ક્વિન્ટન ડી કોકે વિકેટ પર પોતાના પગ જમાવી લીધા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ તેની સાથે જોડાયા. જોકે, સ્ટબ્સે પોતાની ભૂલથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તે અક્ષર પટેલના બોલને ઓફ સ્ટમ્પની બહાર મારવા માંગતો હતો પરંતુ તે ચૂકી ગયો અને બોલ્ડ થયો. સ્ટબ્સે ૩૧ રન બનાવ્યા હતા.

જોકે, સ્ટબ્સના જવાથી ડી કોક પર કોઈ અસર થઈ ન હતી અને તેણે તોફાની રીતે રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. હેનરિક ક્લાસને તેની પરિચિત શૈલીમાં લાંબા શોટ મારવાનું શરૂ કર્યું. તે સમયે ડી કોક ખતરનાક દેખાઈ રહ્યો હતો. બંને બેટ્સમેન સ્પિનરોને સારી રીતે રમી રહ્યા હતા, તેથી રોહિતે અર્શદીપ સિંહને પાછો બોલાવ્યો. રોહિતની ચાલ કામ કરી ગઈ અને ૧૩મી ઓવરના ત્રીજા બોલ પર ડી કોક ડીપ સ્ક્વેર લેગ પર કુલદીપ યાદવના હાથે કેચ આઉટ થયો. આ ડાબા હાથના બેટ્સમેને ૩૧ બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૯ રન બનાવ્યા હતા.

અક્ષર પટેલે ફેંકેલી ૧૫મી ઓવરમાં ક્લાસને ૨૪ રન બનાવ્યા અને અહીંથી મેચ ભારતના ખોળામાંથી બહાર જતી હોય તેવું લાગી રહ્યું હતું. રોહિતે ૧૬મી ઓવરમાં બુમરાહને પાછો બોલાવ્યો. બુમરાહે માત્ર ચાર રન આપ્યા અને ભારતને મેચમાં પાછું લાવ્યું. હાર્દિક પંડ્યાએ ૧૭મી ઓવરના પહેલા બોલ પર ક્લાસેનને આઉટ કરીને મેચને ભારતની તરફેણમાં ફેરવી દીધી હતી.

પરંતુ ડેવિડ મિલર હજુ બાકી હતો અને ભારત માટે ખતરો હતો, પરંતુ બેટથી નિષ્ફળ ગયેલા સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરના પહેલા બોલ પર મિલરનો આશ્ચર્યજનક કેચ લીધો હતો અને બાકી રહેલા મેચમાં હાર્દિક પંડ્યાએ ભારતની જીત લગભગ સુનિશ્ચિત કરી હતી છેલ્લી ઓવરમાં રન બનાવ્યા અને ભારતને જીત તરફ દોરી ગયા.

ટીમ ઈન્ડિયાની આ જીતનો હીરો એ ખેલાડી હતો જેનું બેટ ફાઈનલ પહેલા સંપૂર્ણપણે શાંત હતું. તેને ટીમમાંથી બહાર કરવાની વાતો ચાલી રહી હતી, પરંતુ આ મેચમાં તેણે વિરાટ કોહલી શા માટે મહાન છે તેનો ખુલાસો કર્યો હતો. કોહલીએ ફાઇનલમાં ૭૬ રનની ઇનિંગ રમી હતી. તેની આ ઈનિંગ દબાણમાં આવી ગઈ હતી. રોહિત શર્મા (૯) બીજી ઓવરમાં આઉટ થયો હતો. પરંતુ રિષભ પંત ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. અહીંથી કોહલીએ જવાબદાર ઇનિંગ રમી હતી. તેણે અક્ષર પટેલ સાથે ૭૨ રનની મજબુત અને જરુરી એવી ભાગીદારી કરી હતી. અક્ષર પટેલ પોતાની અડધી સદી પૂરી કરી શક્યો નહોતો. તેણે ૩૧ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. અક્ષરે પોતાની ઇનિંગમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી.

ત્યારબાદ કોહલીએ શિવમ દુબે સાથે ૫૭ રન જોડ્યા હતા. કોહલી ૧૯મી ઓવરના પાંચમા બોલ પર આઉટ થયો હતો. પોતાની ઇનિંગમાં આ બેટ્સમેને ૫૯ બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. દુબે છેલ્લી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. તેણે ૧૬ બોલમાં ૨૭ રન બનાવ્યા હતા. દુબેની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. હાર્દિક પંડ્યાએ બે બોલમાં અણનમ પાંચ રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા બે રન બનાવીને આઉટ થયો હતો.

દક્ષિણ આફ્રિકા તરફથી મહારાજ અને એનરિક નોરખિયાએ બે-બે વિકેટ લીધી હતી. માર્કો યાનસેન અને કાગીસો રબાડાએ એક-એક વિકેટ લીધી હતી.

‘હારી બાજી કો જીતના ઈસે કહેતે હૈ’નું યોગ્ય ઉદાહરણ એટલે આજની મેચ.

t20 world cup india indian cricket team south africa rohit sharma virat kohli suryakumar yadav yashasvi jaiswal shivam dube hardik pandya ravindra jadeja axar patel Rishabh Pant jasprit bumrah Yuzvendra Chahal arshdeep singh Kuldeep Yadav mohammed siraj rinku singh cricket news sports sports news