ઇંગ્લૅન્ડ-સ્કૉટલૅન્ડની મૅચ ધોવાઈ ગઈ

06 June, 2024 10:16 AM IST  |  Barbados | Gujarati Mid-day Correspondent

પ્રથમ ઇનિંગ્સ બાદ વરસાદને કારણે મેદાન પરથી કવર્સ હટી જ ન શક્યા અને મૅચ રદ થતાં બન્ને ટીમને ૧-૧ પૉઇન્ટ મળ્યો હતો

બાર્બાડોસમાં હતી મેચ

બાર્બાડોસમાં સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની છઠ્ઠી મૅચ વરસાદને કારણે ધોવાઈ જતાં રદ થઈ હતી. પ્રથમ ઇનિંગ્સની ૬.૨ ઓવરમાં વરસાદને કારણે મૅચ લાંબા સમય સુધી રોકાઈ રહી જેને કારણે ઓવર ઘટાડીને ૧૦-૧૦ની કરવામાં આવી. સ્કૉટલૅન્ડના ઓપનર્સે વિકેટ ગુમાવ્યા વગર ૧૦ ઓવરમાં ૯૦ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ નિયમને કારણે ટાર્ગેટ વધીને ૧૦૯ રનનો થયો હતો, પણ પ્રથમ ઇનિંગ્સ બાદ વરસાદને કારણે મેદાન પરથી કવર્સ હટી જ ન શક્યા અને મૅચ રદ થતાં બન્ને ટીમને ૧-૧ પૉઇન્ટ મળ્યો હતો.  

ગ્રુપ Bમાં નામિબિયાની ટીમ બે પૉઇન્ટ સાથે ટૉપ પર છે. ઇંગ્લૅન્ડ એક પૉઇન્ટ સાથે બીજા સ્થાને અને સ્કૉટલૅન્ડ એક પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય ઓમાન ચોથા સ્થાને અને ઑસ્ટ્રેલિયા પાંચમા સ્થાને છે.

T20 વર્લ્ડ કપની પિચ પર ૩૦૦૦ દિવસ પછી ઇંગ્લૅન્ડ સાથે આવું બન્યું છે, જ્યારે ટીમે પાવરપ્લેમાં એક પણ વિકેટ લીધી નથી. કૅપ્ટન જોસ બટલરે વિકેટની શોધમાં મૅચમાં પોતાના પાંચ બોલરને અજમાવ્યા, પરંતુ સ્કૉટિશ બૅટ્સમેનો પર એની કોઈ અસર થઈ ન હતી.

ઇંગ્લૅન્ડ સાથે આવું આ પહેલાં ૨૦૧૬ના T20 વર્લ્ડ કપમાં બન્યું હતું. ૨૦૧૬ની ૧૮ માર્ચે સાઉથ આફ્રિકાએ મૅચની પ્રથમ ૬ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૮૩ રન બનાવી દીધા હતા. એ મૅચ બન્ને ટીમ વચ્ચે હાઈ સ્કોરિંગ હતી, જેમાં આખરે ઇંગ્લૅન્ડનો વિજય થયો હતો.

t20 world cup england scotland barbados united states of america cricket news sports sports news