T20ના ઇતિહાસમાં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની મૅચમાં એક પણ ફિફ્ટી વગર બન્યા ૩૬૬ રન

10 June, 2024 11:00 AM IST  |  Barbados | Gujarati Mid-day Correspondent

કાંગારૂઓએ એક પણ ફિફ્ટી વગર ૨૦૧ રન ફટકારી ઇંગ્લૅન્ડનો ૧૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો :

બટલરની વિકેટ લીધા બાદ સેલિબ્રેટ કરતા ઍડમ ઝમ્પા અને કૅપ્ટન મિશેલ માર્શ

બાર્બાડોસમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ૧૭મી T20 વર્લ્ડ કપ 2024 મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ૭ વિકેટ ગુમાવીને આપેલા ૨૦૨ રનના ટાર્ગેટ સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ ઇંગ્લૅન્ડ ૬ વિકેટે ૧૬૫ રન બનાવી શકી હતી. ૨૦૨૧ની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયાએ ૩૬ રને જીતીને ૨૦૦૭ બાદ પહેલી વખત T20 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું.

કૅપ્ટન મિશેલ માર્શની ટીમે એક પણ ફિફ્ટી વગર ૨૦૧ રન ફટકારી ઇંગ્લૅન્ડનો ૧૭ વર્ષ જૂનો ૨૦૦ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. ૨૦૦૭માં ઇંગ્લૅન્ડે ભારત સામે એક પણ ફિફ્ટી વગર ૨૦૦ રન ફટકાર્યા હતા. ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડની મૅચમાં કુલ ૩૬૬ રન બન્યા હતા. એક પણ ફિફ્ટી વગર T20 વર્લ્ડ કપમાં એક મૅચનો સૌથી મોટો સ્કોર હતો. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મૅચમાં એક પણ વ્યક્તિગત ફિફ્ટી વગર ૩૫૦ પ્લસ રન બન્યા હતા.

ગ્રુપ Bમાં ઑસ્ટ્રેલિયા સતત બીજી જીતની મદદથી ૪ પૉઇન્ટ મેળવી ટૉપ પર છે. સ્કૉટલૅન્ડ ‍૩ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે, જ્યારે સ્કૉટલૅન્ડ સામેની મૅચ વરસાદને કારણે રદ થતાં અને કાંગારૂ સામે હાર થતાં બે મૅચમાં માત્ર ૧ પૉઇન્ટ સાથે કૅપ્ટન જોસ બટલરની ટીમ ઇંગ્લૅન્ડ ચોથા ક્રમે છે. હવે પછીની બે મૅચમાંથી જો ઇંગ્લૅન્ડ એક પણ મૅચ હારશે તો એ સુપર-એઇટની રેસમાંથી બહાર થઈ જશે. 

t20 world cup england australia cricket news sports sports news