ઓમાનને ૩૯ રને હરાવીને ઑસ્ટ્રેલિયાએ કરી વિજયી શરૂઆત

07 June, 2024 10:08 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

T20માં હાઇએસ્ટ ૧૧૧મી ફિફ્ટી ફટકારી ડેવિડ વૉર્નરે, ઑસ્ટ્રેલિયા માટે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન ફટકારનાર બૅટર પણ બની ગયો

આઉટ થયા બાદ ઑસ્ટ્રેલિયન ડ્રેસિંગરૂમનો રસ્તો ભૂલ્યો ડેવિડ વૉર્નર

T20 વર્લ્ડ કપ 2024ની આઠમી મૅચ ગુરુવારે ઑસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે બાર્બેડોઝમાં રમાઈ હતી. આ મૅચમાં કૅપ્ટન મિશેલ માર્શની ટીમે ઓમાનને ૩૯ રનથી હરાવ્યું હતું. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ બૅટિંગ કરતાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૬૪ રન બનાવ્યા હતા. જવાબમાં ઓમાનની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૫ રન જ બનાવી શકી હતી. આ મૅચમાં ડેવિડ વૉર્નર (૫૬  રન) અને માર્કસ સ્ટૉઇનિસે (૬૭ રન) શાનદાર પ્રદર્શન કર્યું હતું.

T20 વર્લ્ડ કપમાં ચોથી વખત એવી ઘટના બની છે કે એક ઑલરાઉન્ડરે મૅચ દરમ્યાન ફિફટી પ્લસ રન બનાવ્યા હોય અને ૩  વિકેટ લીધી હોય. ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે ૩૬ બૉલમાં ૬૭  રન ફટકારવાની સાથે ૧૯  રન આપીને ૩  વિકેટ લીધી હતી. આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝનો ડ્વેઇન બ્રાવો એક વખત અને ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર શેન વૉટસન બે વખત આ કમાલ કરી ચૂક્યા છે.

અંતિમ T20 વર્લ્ડ કપ રમી રહેલા ઓપનર ડેવિડ વૉર્નરે ૨૦૨૧ની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી હતી. ૫૧ બૉલમાં ૫૬ રનની ઇનિંગ્સની મદદથી ડેવિડ વૉર્નરે ઇન્ટરનૅશનલ અને ફ્રૅન્ચાઇઝી T20 ક્રિકેટમાં સૌથી વધુ ૧૧૧મી ફિફ્ટી ફટકારી હતી. તેણે આ મામલે ક્રિસ ગેઇલ (૧૧૦ ફિફ્ટી)ને પછાડ્યો હતો. તેણે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ રન ફટકારવાના મામલે ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ઍરોન ફિન્ચને ૧ રનથી પછાડ્યો હતો. ઍરોન ફિન્ચે (૩૧૨૦ રન) સ્ટેડિયમના કૉમેન્ટરી બૉક્સમાંથી ડેવિડ વૉર્નર (૩૧૨૧ રન)ની ઇનિંગ્સ દરમ્યાન તેને માટે તાળીઓ પણ પાડી હતી.

33
આટલામી વખત ગ્લેન મૅક્સવેલ T20 ક્રિકેટમાં ઝીરો પર આઉટ થયો. સુનીલ નારાયણ (૪૪), ઍલેક્સ હેલ્સ (૪૩) અને રાશિદ ખાન (૪૨) આ લિસ્ટમાં ટૉપ-3માં છે. 

મેન્સની T20 ક્રિકેટમાં  સૌથી વધુ ૫૦ પ્લસ સ્કોર

૧૧૧

ડેવિડ વૉર્નર

૧૧૦

ક્રિસ ગેઇલ

૧૦૫

વિરાટ કોહલી

૧૦૧

બાબર આઝમ

૮૯

જોસ બટલર

t20 world cup australia oman david warner cricket news sports sports news