03 May, 2024 06:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા , અજિત આગરકર
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય સ્ક્વૉડની જાહેરાત બાદ ગઈ કાલે પહેલી વાર કૅપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત આગરકર મીડિયાની સામે આવ્યા હતા. અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ભારત પાંચમી જૂનથી આયરલૅન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. મુંબઈમાં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના હેડ ક્વૉર્ટરમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં બન્ને દિગ્ગજોએ પત્રકારોના સવાલોના જવાબો આપતાં અનેક મુદ્દા પર ચર્ચા કરી હતી. ચાલો જાણીએ પ્રેસ કૉન્ફરન્સમાં ચર્ચાયેલા મહત્ત્વના મુદ્દાઓ વિશે...
સવાલ : ખરાબ ફૉર્મમાં હોવા છતાં હાર્દિક પંડ્યાની પસંદગી કેમ થઈ?
અજિત આગરકર : ઈજાના કારણે લાંબા બ્રેક બાદ પરત ફરેલો હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ફિટ દેખાઈ રહ્યો છે. તે જે ભૂમિકાઓ ભજવી શકે છે એના માટે ફિટ રહેવું તેના માટે મહત્ત્વપૂર્ણ છે. એક ક્રિકેટર તરીકે તે જે કરી શકે એનો કોઈ વિકલ્પ નથી.
સવાલ : વિરાટ કોહલીના સ્ટ્રાઇક-રેટ વિશે કોઈ ચિંતા?
અજિત આગરકર : વિરાટ કોહલીના સ્ટ્રાઇક-રેટને લઈને પસંદગીકારો વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી. IPLમાં તેનું ફૉર્મ શાનદાર રહ્યું છે. અમે તેના સ્ટ્રાઇક-રેટને લઈને ચિંતિત નથી.
સવાલ : રિન્કુ સિંહ ૧૫ ખેલાડીઓમાં કેમ નથી?
અજિત આગરકર : આ સૌથી મુશ્કેલ નિર્ણય હતો. તેને રિન્કુ સિંહ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ કૉમ્બિનેશનના કારણે તેની પસંદગી થઈ શકી નથી. રોહિત શર્માને રિસ્ટ સ્પિનર્સની જરૂર હતી, એથી રિન્કુ સિંહ અને શુભમન ગિલને રિઝર્વમાં રાખવા પડ્યા.
સવાલ : વિરાટ ઓપનિંગ કરશે?
રોહિત શર્મા : ઓપનિંગ જોડી માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. પિચ-કન્ડિશનના આધારે નિર્ણય લેવામાં આવશે.
સવાલ : કે.એલ. રાહુલ કેમ આઉટ થયો?
અજિત આગરકર : રાહુલ હાલમાં ટૉપ ઑર્ડરમાં બૅટિંગ કરી રહ્યો છે, પરંતુ અમે એવા વિકેટકીપરની શોધમાં હતા જે મિડલ ઑર્ડરમાં બૅટિંગ કરી શકે. એથી જ રિષભ પંત અને સંજુ સૅમસનની પસંદગી કરવામાં આવી છે.
સવાલ : ઑલરાઉન્ડર શિવમ દુબે વર્લ્ડ કપમાં બોલિંગ કરશે?
રોહિત શર્મા : દુર્ભાગ્યે શિવમ દુબેએ IPL 2024માં એક પણ ઓવર ફેંકી નથી, પરંતુ તે એક ઉત્તમ ઑલરાઉન્ડર છે, જે રેડ બૉલ ક્રિકેટમાં નિયમિતપણે બોલિંગ કરે છે. શિવમ દુબેની સાથે હાર્દિક પંડ્યા પણ વર્લ્ડ કપમાં બોલિંગ કરશે.
સવાલ ઃ ટીમમાં ૪ સ્પિન બોલર્સ કેમ પસંદ કર્યા?
રોહિત શર્મા ઃ મને ૪ સ્પિન બોલરો જોઈતા હતા. ટેક્નિકલ આધાર પર ૪ સ્પિન બોલર અમારા માટે મદદરૂપ થઈ શકે છે. એનું સારું કારણ હું હમણાં નહીં, પણ વર્લ્ડ કપ દરમ્યાન જણાવીશ.
સવાલ : રવિચન્દ્રન અશ્વિનના સ્થાને અક્ષર પટેલને કેમ તક આપવામાં આવી?
રોહિત શર્મા : અશ્વિન વિશે ચર્ચા થઈ હતી, પરંતુ હાલમાં તે આ ફૉર્મેટમાં વધારે રમ્યો નથી. અક્ષર પટેલ પાસે સારો અનુભવ છે. તે મિડલ ઑર્ડરમાં સારું રમી શકે છે.
સવાલ : હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં રમવાનો અનુભવ કેવો રહ્યો?
રોહિત શર્મા : હું મારી કરીઅરમાં ઘણા કૅપ્ટનની કૅપ્ટન્સી હેઠળ રમ્યો છું. મારા માટે આ કંઈ નવું નથી. એક ખેલાડી પાસેથી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં હું એ જ કરી રહ્યો છું. તમે વિચાર્યું હોય એ પ્રમાણે બધું જ જીવનમાં નહીં થાય. મારા માટે આ સારો અનુભવ રહ્યો.