ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ન્યુ ઝીલૅન્ડને પહેલી વાર હરાવ્યું અફઘાનિસ્તાને

09 June, 2024 09:05 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

૧૬૦ રનના ટાર્ગેટ સામે માત્ર ૮૪ રનમાં સમેટાઈ ગયા કિવીઓ: રાશિદ ખાન અને ફઝલહક ફારુકીએ ચાર-ચાર વિકેટ લીધી

અફઘાનિસ્તાનના ગુલબદીન નઈબ અને રહેમાનુલ્લાહ ગુરબાઝે મૅચ દરમ્યાન કૅપ્ટન કેન વિલિયમસનની વિકેટ લીધા બાદ ખુશી વ્યક્ત કરી હતી

અમેરિકાએ પાકિસ્તાનને હરાવ્યું, નામિબિયાએ સ્કૉટલૅન્ડને હરાવ્યું અને હવે અફઘાનિસ્તાને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ન્યુ ઝીલૅન્ડને પહેલી વખત હરાવીને T20 વર્લ્ડ કપ 2024માં મોટો અપસેટ સરજ્યો હતો. પ્લેયર ઑફ ધ મૅચ રહેમાનુલ્લા ગુરબાઝની ૮૦ રનની ઇનિંગ્સની મદદથી અફઘાનિસ્તાને ૬ વિકેટ ગુમાવીને ૧૫૯ રન કર્યા હતા, પણ અફઘાની બોલર્સે ન્યુ ઝીલૅન્ડની ટીમને ૭૫ રન પર ઑલઆઉટ કરીને ૮૪ રને મોટી જીત મેળવી હતી.

ગ્રુપ Cમાં ૪ પૉઇન્ટ સાથે અફઘાનિસ્તાન પ્રથમ ક્રમે જ્યારે ન્યુ ઝીલૅન્ડની ટીમ ઝીરો પૉઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. હમણાં સુધીની અફઘાનિસ્તાન સામેની ૩ વન-ડે અને ૧ T20 મૅચમાં ન્યુ ઝીલૅન્ડની જીત થઈ હતી. ઇતિહાસમાં પહેલી વખત અફઘાનિસ્તાને ન્યુ ઝીલૅન્ડ ટીમ પર વિજય મેળવ્યો છે.

અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને ૧૭ રન આપીને ૪ વિકેટ અને ફઝલહક ફારુકીએ પણ ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી. 

જુઓ કેવી રીતે મેદાનમાં આવ્યો મૅચ માટેનો બૉલ

ગઈ કાલે ન્યુ યૉર્કના ઈસ્ટ મેડોમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં નેધરલૅન્ડ્સ અને સાઉથ આફ્રિકાની મૅચ વખતે રિમોટ કન્ટ્રોલથી ચાલતી મિની ટ્રકમાં મૅચ માટેનો બૉલ લાવવામાં આવ્યો હતો.

t20 world cup new zealand afghanistan cricket news sports sports news