સેમી ફાઇનલની પિચની આકરી ટીકા કરી અફઘાન કોચ અને સાઉથ આફ્રિકન કૅપ્ટને

28 June, 2024 10:28 AM IST  |  Trinidad | Gujarati Mid-day Correspondent

અફઘાનના કોચે T20 વર્લ્ડ કપ 2024ના વ્યસ્ત શેડ્યુલની પણ ફરિયાદ કરતાં કહ્યું હતું

સાઉથ આફ્રિકા સામે સેમી ફાઇનલ મૅચ હારી ગયા બાદ અફઘાનિસ્તાનનો કોચ જોનથન ટ્રૉટ અને કૅપ્ટન રાશિદ ખાન ખૂબ જ નિરાશ થઈ ગયા હતા.

બ્રાયન લારા સ્ટેડિયમની પિચ પર T20 વર્લ્ડ કપ 2024ની પાંચ મૅચ રમાઈ હતી જેમાંથી  પ્રથમ બૅટિંગ કરનારી ટીમે માત્ર એક જ વાર ૧૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. આ પિચ પર યજમાન વેસ્ટ ઇન્ડીઝે એક મૅચમાં ન્યુ ઝીલૅન્ડ સામે છ વિકેટે ૧૪૯ રન બનાવ્યા હતા અને ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટર અને અફઘાનિસ્તાનના હેડ કોચ જોનથન ટ્રૉટે સેમી ફાઇનલની આ પિચની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ‘સ્પર્ધા સમાન હોવી જોઈએ. હું એમ નથી કહેતો કે એ સ્પિન અથવા સીમની હિલચાલ વિનાની ફ્લૅટ હોવી જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે કે તમારે બૅટ્સમેનોની પણ ચિંતા કરવી જોઈએ. આ પિચ બૅટિંગ માટે ન હતી. T20ની રમત આક્રમકતા, રન બનાવવા અને વિકેટ લેવા વિશે છે. આ ફૉર્મેટ ક્રિઝ પર ટકી રહેવા માટે બનાવવામાં આવ્યું નથી.’

અફઘાનના કોચે T20 વર્લ્ડ કપ 2024ના વ્યસ્ત શેડ્યુલની પણ ફરિયાદ કરતાં કહ્યું હતું કે ‘અમે છેલ્લી મૅચ પછી ત્રણ વાગ્યે હોટેલ પહોંચી શક્યા અને પાંચ કલાક પછી અમારે નીકળવું પડ્યું, એથી અમને ઊંઘવા માટે ઘણો સમય મળ્યો ન હતો અને ખેલાડીઓ ખરેખર થાકેલા હતા.

સાઉથ આફ્રિકાના કૅપ્ટન એડમ માર્કરમે પણ પિચ પર ટૉન્ટ મારતાં કહ્યું હતું કે ‘અમને ખુશી છે કે અમારે આ પિચ પર ફરીથી રમવાની જરૂર નથી. તમને T20 ક્રિકેટમાં મનોરંજન જોઈએ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન પિચો પડકારજનક હતી. આવી વિકેટો પર જીત મેળવવાના રસ્તા શોધવા મહત્ત્વપૂર્ણ હતા. આ જ મેદાન પર યુગાન્ડાની ટીમ ૪૦ રનમાં ઑલઆઉટ થઈ હતી.’ 

t20 world cup afghanistan south africa cricket news sports sports news