12 September, 2022 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. સુબ્રમણ્યમ સ્વામી
ક્રિકેટમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ) સંભવિત સટ્ટાબાજીને કારણે ઘણી વાર ચર્ચામાં રહ્યું છે. ‘શારજાહ મેં હારજા’ એવા કેટલીક ટીમના ક્રિકેટરો સામે આક્ષેપ પણ થયા છે અને એ બધી બાબતોને લીધે જ દુબઈ તથા શારજાહ ક્રિકેટના ક્ષેત્રે સૌની નજરમાં રહ્યાં છે. ગઈ કાલે પૂરા થયેલા ટી૨૦ એશિયા કપમાં ભારત સુપર-ફોર રાઉન્ડમાં ત્રણમાંથી બે મૅચ (પાકિસ્તાન અને શ્રીલંકા સામે) હારી જતાં વહેલું સ્પર્ધાની બહાર થઈ ગયું એને પગલે ઘણા સવાલ ઊઠ્યા છે.
આઇપીએલમાંથી તેમ જ ઇન્ટરનૅશનલ મૅચો રમીને દર વર્ષે કરોડો રૂપિયા કમાતા ભારતના વર્તમાન ખેલાડીઓમાંથી કોઈની પણ સામે ક્યારેય કથિત ફિક્સિંગના મુદ્દે પણ આંગળી નથી ચીંધાઈ, પરંતુ ટ્વિટર પર ગઈ કાલે બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ એક નિવેદન મૂકતાં ખૂબ ચર્ચા જાગી છે. સ્પષ્ટવક્તા તરીકે જાણીતા ડૉ. સ્વામીએ ગઈ કાલની ફાઇનલ પહેલાંની ટ્વીટમાં પૂછ્યું હતું, ‘એશિયા કપનું આયોજક કોણ છે? બીજું, આપણે આટલા ખરાબ રીતે કેમ હારી ગયા? સટ્ટાબાજી? હું તો ખૂબ નિર્દોષતાથી આવું પૂછી રહ્યો છું.’ એશિયા કપના આયોજનની જવાબદારી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) હેઠળ આવે અને ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ એસીસીના ચીફ છે. જય શાહ બીસીસીઆઇના સેક્રેટરી પણ છે.