મૅકગિલે કોકેનની ડીલ કરાવી : સિડની પોલીસે કરી ધરપકડ

16 September, 2023 03:36 PM IST  |  Sydney | Gujarati Mid-day Online Correspondent

એક સમયે ઑસ્ટ્રેલિયન બોલર્સમાં શેન વૉર્ન પછી બીજા નંબરના બેસ્ટ સ્પિનર ગણાતા સ્ટુઅર્ટ મૅકગિલની સિડની પોલીસે મંગળવારે કોકેનના એક ડીલ સંબંધે કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી.

સ્ટુઅર્ટ મૅકગિલ

એક સમયે ઑસ્ટ્રેલિયન બોલર્સમાં શેન વૉર્ન પછી બીજા નંબરના બેસ્ટ સ્પિનર ગણાતા સ્ટુઅર્ટ મૅકગિલની સિડની પોલીસે મંગળવારે કોકેનના એક ડીલ સંબંધે કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી અને પૂછપરછ બાદ જામીન પર‍ છોડ્યો હતો. તેની સામે આ ડીલમાં કથિત ભૂમિકા ભજવવા બદલ ગુનો નોંધાયો છે. મૅકગિલ બાવન વર્ષનો છે. તે ૧૯૯૮થી ૨૦૦૮ સુધી ૪૪ ટેસ્ટ અને ત્રણ વન-ડે રમ્યો હતો. ખાસ કરીને તે ટેસ્ટ પ્લેયર હતો અને તેણે ૪૪ ટેસ્ટમાં ૨૯.૦૨ની સરેરાશે કુલ ૨૦૮ વિકેટ લીધી હતી.

કહેવાય છે કે ૨૦૧૯માં તેણે એવી બે વ્યક્તિ વચ્ચે ડીલ પાર પડાવી હતી, જેમાં એ બે જણે ૩.૩૦ લાખ ડૉલર (અંદાજે ૨.૭૫ કરોડ રૂપિયા)ની કિંમતના એક કિલોગ્રામ કોકેનની લે-વેચનો કરાર કર્યો હતો. વર્ષ ૨૦૨૧માં સ્ટુઅર્ટ મૅકગિલનું કહેવાય છે કે કોકેનની એ ઘટના બાબતમાં જ અપહરણ થયું હતું અને કારમાં તેની મારઝૂડ કરીને તેને કારની બહાર ફેંકી દીધો હતો. એ કિસ્સામાં ૬ જણની ધરપકડ કરવામાં આવી હતી.

sports news sports cricket news