15 November, 2024 08:51 AM IST | Dambulla | Gujarati Mid-day Correspondent
ઓપનર અવિષ્કા ફર્નાન્ડો (૧૦૦ રન) અને વિકેટકીપર-બૅટર કુસલ મેન્ડિસે (૧૪૩ રન) બીજી વિકેટ માટે ૨૦૬ રનની પાર્ટનરશિપ કરી હતી
૧૩ નવેમ્બરે વરસાદથી પ્રભાવિત મૅચમાં યજમાન શ્રીલંકાએ ન્યુ ઝીલૅન્ડને ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ૪૫ રનથી હરાવ્યું હતું. શ્રીલંકાએ ન્યુ ઝીલૅન્ડ સામે ૪૯.૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૨૪ રન બનાવ્યા ત્યારે વરસાદ શરૂ થયો હતો. આ પછી ન્યુ ઝીલૅન્ડને ૨૭ ઓવરમાં ૨૨૧ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જવાબમાં કિવી ટીમ ૯ વિકેટે ૧૭૫ રન જ બનાવી શકી હતી. ડિસેમ્બર ૨૦૧૫ બાદ શ્રીલંકાની ન્યુ ઝીલૅન્ડ સામે વન-ડેમાં આ પહેલી જીત હતી. ડિસેમ્બર ૨૦૧૫થી બન્ને વચ્ચે નવ વન-ડે રમાઈ હતી જેમાં કિવીઓએ ૮ મૅચમાં જીત મેળવી હતી અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
ઓપનર અવિષ્કા ફર્નાન્ડો (૧૦૦ રન) અને વિકેટકીપર-બૅટર કુસલ મેન્ડિસે (૧૪૩ રન) બીજી વિકેટ માટે ૨૦૬ રનની પાર્ટનરશિપ કરી હતી. વન-ડે ફૉર્મેટમાં ન્યુ ઝીલૅન્ડ સામે શ્રીલંકાનો આ કોઈ પણ વિકેટ માટેનો સૌથી મોટો પાર્ટનરશિપ રેકૉર્ડ છે. આ પહેલાં કિવીઓ સામે હાઇએસ્ટ પાર્ટનરશિપનો રેકૉર્ડ સનથ જયસૂર્યા અને ઉપુલ થરંગાના નામે હતો. બન્નેએ ૨૦૦૬માં નેપિયરમાં ૨૦૧ રનની પાર્ટનરશિપ કરી હતી. શ્રીલંકાએ ૧-૦થી આ ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં લીડ મેળવી છે. બીજી વન-ડે ૧૭ નવેમ્બર અને ત્રીજી વન-ડે ૧૯ નવેમ્બરે રમાશે.