07 January, 2023 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકોટમાં ગઈ કાલે સયાજી હોટેલ ખાતે અક્ષર પટેલ. તસવીર: પી.ટી.આઇ.
ભારત-શ્રીલંકા વચ્ચે આજે રાજકોટમાં નિર્ણાયક ટી૨૦ (સાંજે ૭.૦૦ વાગ્યાથી) રમાશે અને એ જીતવા માટે ભારત ફેવરિટ હોવાનાં કેટલાંક કારણો છે. શ્રીલંકા ક્યારેય રાજકોટમાં ઇન્ટરનૅશનલ મૅચ નથી રમ્યું અને અહીંની ફ્લૅટ પિચ પર જો ભારતનો ટૉપ-ઑર્ડર ચમકશે તો શ્રીલંકાનો પરાજય પાકો છે. ગુરુવારે પુણેની બીજી મૅચમાં ઈશાન કિશન (૨), શુભમન ગિલ (૫) અને નવોદિત રાહુલ ત્રિપાઠી (૫) નિષ્ફળ ગયા હતા, પરંતુ આજે તેમણે તેમ જ ખુદ કૅપ્ટન હાર્દિક પંડ્યા (જે ગુરુવારે માત્ર ૧૨ રન) તથા દીપક હૂડા (૯ રન)એ પણ સારું રમવું પડશે.
હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં ભારત કુલ ૭ ટી૨૦ મૅચ રમ્યું છે, પરંતુ ગુરુવારે પહેલી વાર ટીમ ઇન્ડિયાએ તેના સુકાનમાં ટી૨૦માં પરાજય જોયો. આજે સિરીઝ પણ હાથમાંથી ન જાય એ માટે તમામ ભારતીય ખેલાડીઓએ કમર કસવી પડશે.
શ્રીલંકાને પુણે ૬ વર્ષે ફળ્યું
ભારતમાં શ્રીલંકા અગાઉ ૬ વર્ષ પહેલાં (૨૦૧૬માં) ટી૨૦ જીત્યું હતું અને એ વિજય પુણેમાં મેળવ્યો હતો. શ્રીલંકાની ટીમ માટે પુણે નસીબવંતું છે અને કદાચ એટલે જ ગુરુવારે સિરીઝની બીજી મૅચમાં એનો અનેક અપ્સ ઍન્ડ ડાઉન બાદ દિલધડક મુકાબલામાં ૧૬ રનથી વિજય થયો હતો અને સિરીઝ ૧-૧થી બરાબરીમાં લાવી દીધી હતી.
અક્ષર-માવીનું મૅજિક ન ફળ્યું
શ્રીલંકાના ૨૦૬/૬ના સ્કોર બાદ ભારતે ૨૦૭ રનના લક્ષ્યાંક સામે ૮ વિકેટે ૧૯૦ રન બનાવ્યા હતા. ટીમમાં હવે ઑલરાઉન્ડરના ખરા અવતારમાં જોવા મળી રહેલા અક્ષર પટેલ (૬૫ રન, ૩૧ બૉલ, ૫૭ મિનિટ, છ સિક્સર, ત્રણ ફોર) અને શિવમ માવી (૨૬ રન, ૧૫ બૉલ, ૨૪ મિનિટ, બે સિક્સર, બે ફોર)ની સાતમી વિકેટ માટેની ૪૧ રનની યાદગાર ભાગીદારી છેવટે એળે ગઈ હતી. સૂર્યકુમાર યાદવ (૫૧ રન, ૩૬ બૉલ, ૭૩ મિનિટ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ની ઇનિંગ્સ પણ અપૂરતી બની હતી. ભારતને એક્સ્ટ્રામાં ૧૪ રન મળ્યા હતા, પરંતુ એનો લાભ પણ નહોતો લઈ શકાયો. અણનમ ૫૬ રન બનાવ્યા પછી બે વિકેટ લેનાર કૅપ્ટન દાસુન શનાકાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.