Sports Shorts: ઇંગ્લૅન્ડની ૨૩૪ વર્ષ જૂની ક્રિકેટ ક્લબે સિક્સર પર કેમ લગાવ્યો બૅન?

25 July, 2024 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેદાન બહાર મહિલા ફૅનની કેમ માગવી પડી માફી કીરોન પોલાર્ડે?; કોણ છે બાબરનો ફેવરિટ ક્રિકેટર? અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

ઇંગ્લૅન્ડમાં એક ક્રિકેટ ક્લબે એક વિચિત્ર નિર્ણય લઈને આખી દુનિયાભરના ક્રિકેટ ફૅન્સને ચોંકાવી દીધા છે. સાઉથવિક ઍન્ડ શોરહૅમ ક્રિકેટ ક્લબે સિક્સર પર પ્રતિબંધ લગાવ્યો છે. ૧૭૯૦માં સ્થપાયેલી આ ક્લબને એના મેદાનની આસપાસની ઇમારતોને મોટા શૉટથી થયેલા નુકસાનને કારણે આ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો પડ્યો હતો. આ ક્લબના મેદાનની આસપાસ જાળી હોવા છતાં ઊંચી સિક્સરથી ઘરોને નુકસાન થાય છે. ઘણી વખત બારીના કાચ તૂટી ગયા છે અને કારને પણ નુકસાન થયું છે. ક્લબ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ બૅટર સિક્સર ફટકારે છે તો તેને કોઈ રન નહીં મળે. જો બીજી વખત સિક્સર ફટકારવામાં આવી તો તે બૅટ્સમૅનને આઉટ જાહેર કરવામાં આવશે. ક્લબના આ નિર્ણયથી ખેલાડીઓ ખૂબ જ નારાજ થયા છે.

કોણ છે બાબરનો ફેવરિટ ક્રિકેટર? કોની સામે બૅટિંગ કરતાં પાકિસ્તાની કૅપ્ટનને લાગે છે ડર? 

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન બાબર આઝમે હાલમાં પોતાના ફેવરિટ ક્રિકેટર અને જબરદસ્ત બોલિંગ કરતા બોલર વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો. ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર એબી ડીવિલિયર્સની યુટ્યુબ ચૅનલ પર જ્યારે પૂછવામાં આવ્યું કે તારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? ત્યારે બાબરે કોઈ પણ ઍક્ટિવ ક્રિકેટરને પ્રાધાન્ય ન આપતાં ડીવિલિયર્સનું નામ લીધું હતું. ડીવિલિયર્સ આ જવાબથી આશ્ચર્યચકિત થઈ ગયો. જોકે તેણે બાબરને તેના સિવાય અન્ય કોઈને પસંદ કરવા કહ્યું, પરંતુ પાકિસ્તાની ક્રિકેટર તેના નિર્ણય પર અડગ રહ્યો. સૌથી ખતરનાક બોલરમાં તેણે ઑસ્ટ્રેલિયન ટેસ્ટ અને વન-ડે ટીમના કૅપ્ટન અને ઝડપી બોલર પૅટ કમિન્સનું નામ લીધું. તેની સામે બૅટિંગ કરવામાં બાબરે ખૂબ મુશ્કેલી અનુભવી છે. 

મેદાન બહાર મહિલા ફૅનની કેમ માગવી પડી માફી કીરોન પોલાર્ડે?

મેજર લીગ ક્રિકેટ 2024ની લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં MI ન્યુ યૉર્કના કૅપ્ટન કીરોન પોલાર્ડે ૨૭૫ના સ્ટ્રાઇક-રેટથી ૧૨ બૉલમાં ૩૩ રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેની એક સિક્સરથી સ્ટૅન્ડ્સમાં હાજર એક મહિલા ફૅનના ખભા પર બૉલ વાગ્યો હતો. મૅચ બાદ તે મહિલા ફૅન અને તેના પતિને મળવા બોલાવી કીરોન પોલાર્ડે બન્ને સામે માફી માગી હતી. કીરોન પોલાર્ડે તેમને યાદગીરીરૂપે ઑટોગ્રાફવાળી કૅપ આપીને ફોટો પણ પડાવ્યો હતો.

sports sports news cricket news