17 January, 2025 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇનામની રકમનો ચેક આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના હસ્તે અપાવીને નીતીશ કુમાર રેડ્ડીનું સન્માન
બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં ૨૧ વર્ષના નીતીશ કુમાર રેડ્ડીએ ૧૧૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. એ સમયે તેના પ્રદર્શનથી ખુશ થઈને આંધ્ર પ્રદેશ ક્રિકેટ અસોસિએશને તેના માટે પચીસ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. ગઈ કાલે આ ઇનામની રકમનો ચેક આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના હસ્તે અપાવીને તેને સન્માનિત કર્યો હતો. તેના પપ્પા પણ ગૌરવપૂર્ણ ક્ષણે ખુશ જોવા મળ્યા હતા.
વિજય હઝારે ટ્રોફી 2024-25ની ફાઇનલિસ્ટ ટીમ નક્કી થઈ ગઈ છે. ૧૮ જાન્યુઆરીએ વડોદરામાં કર્ણાટક અને વિદર્ભ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે. ગઈ કાલે બીજી સેમી ફાઇનલ મૅચમાં વિદર્ભે ત્રણ વિકેટ ગુમાવીને આપેલા ૩૮૧ રનના ટાર્ગેટ સામે મહારાષ્ટ્રની ટીમ ૭ વિકેટે ૩૧૧ રન બનાવી શકી હતી. વિદર્ભે ૬૯ રને જીત મેળવી ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. ૧૫ જાન્યુઆરીએ પહેલી સેમી ફાઇનલમાં હરિયાણાના ૨૩૮ રનના ટાર્ગેટને ૪૭.૨ ઓવરમાં ચેઝ કરીને કર્ણાટકની ટીમ પાંચ વિકેટે મૅચ જીતી પહેલી ફાઇનલિસ્ટ ટીમ બની હતી.
મુંબઈ ઇન્ડિયન્સે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝન માટે ટીમની નવી જર્સી લૉન્ચ કરી છે. જર્સીની ડિઝાઇન મુંબઈના દરિયાકિનારાને સમર્પિત કરવામાં આવી છે. આ જર્સીમાં વાદળી અને સોનેરી રંગને જાળવી રાખીને એક અનોખી પૅટર્ન ઉમેરવામાં આવી છે જે અરબી સમુદ્રના કિનારે સ્થિર ખડકોનું પ્રતીક છે. એ અતૂટ નિશ્ચયનું પ્રતિનિધત્વ કરે છે, જે મુંબઈ શહેર અને તેની ક્રિકેટ ટીમ બન્નેને વ્યાખ્યાયિત કરે છે.
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના કૅપ્ટન ટેમ્બા બવુમાએ ટીમને પહેલી વાર વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, પણ તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને દરેક ટીમ વચ્ચે ટેસ્ટ-મૅચના અસમાન વિતરણ પર ધ્યાન આપવા વિનંતી કરી છે. બવુમાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મને લાગે છે કે ઇંગ્લૅન્ડે વર્તમાન WTC સીઝનમાં લગભગ બાવીસ ટેસ્ટ-મૅચ રમી છે. અમે ૧૨ રમ્યા જે લગભગ ૫૦ ટકા છે. એથી આશા રાખીએ કે આગામી સમયમાં આ પ્રકારની અસમાનતા જોવા નહીં મળે.’ ટૂંકમાં તેણે સાઉથ આફ્રિકા માટે વધુ ટેસ્ટ-મૅચનું આયોજન થાય એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઇન્ટરવ્યુમાં તેણે ભારતીય મૂળના ઑલરાઉન્ડર કેશવ મહારાજને ‘અ મૉન્સ્ટર વિથ ધ બૉલ’ અને ‘મૅચ વિનર’ ગણાવ્યો હતો.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલાં સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમને મોટો ફ્ટકો પડ્યો છે. ૩૧ વર્ષનો ફાસ્ટ બોલર ઍન્રિક નોર્ખિયા પીઠની ઇન્જરીને કારણે સાઉથ આફ્રિકાની ટીમ માટે ઇન્ટરનૅશનલ મૅચ અને દેશની લોકપ્રિય ફ્રૅન્ચાઇઝી લીગ SA20માં પ્રિટોરિયા કૅપિટલ્સ માટે રમી શકશે નહીં. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ અનુસાર તે ICC ટુર્નામેન્ટ માટે સમયસર ફિટ નહીં થઈ શકશે. યોગ્ય સમયે તેના રિપ્લેસમેન્ટ તરીકે અન્ય પ્લેયર્સની જાહેરાત કરવામાં આવશે. અનુભવી બોલર ઍન્રિક નોર્ખિયા જૂન ૨૦૨૪ના T20 વર્લ્ડ કપ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી શક્યો નથી.
આજથી પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૩-૨૦૨૫ની પોતાની અંતિમ ટેસ્ટ સિરીઝ રમવા ઊતરશે. બન્ને ટીમ કોશિશ કરશે કે એ WTC પૉઇન્ટ્સ-ટેબલમાં અંતિમ સ્થાન પર ન રહે. પાકિસ્તાન ૨૪.૩૧ની પૉઇન્ટ ટકાવારી સાથે આઠમા ક્રમે છે અને વેસ્ટ ઇન્ડીઝ (૨૪.૨૪) નવમા ક્રમે છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૨૦૦૬ બાદ પહેલી વાર પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ-સિરીઝ રમતી જોવા મળશે. આ ટીમ પાકિસ્તાનમાં ૧૯૮૦-’૮૧ બાદ એક પણ ટેસ્ટ-સિરીઝ જીતી શકી નથી. વેસ્ટ ઇન્ડીઝની ટીમ વર્ષ ૨૦૦૦ બાદ પાકિસ્તાન સામે પોતાની ધરતી પર કે અન્ય તટસ્થ વેન્યુમાં પણ ટેસ્ટ-સિરીઝ જીતી શકી નથી. આ સિરીઝની બન્ને મૅચ ભારતીય સમય અનુસાર સવારે ૧૦ વાગ્યે શરૂ થશે અને મૅચનો આનંદ ફેનકોડ ઍપ પર માણી શકાશે.
ટેસ્ટનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૫૪ |
પાકિસ્તાનની જીત |
૨૧ |
વેસ્ટ ઇન્ડીઝની જીત |
૧૮ |
ડ્રૉ મૅચ |
૧૫ |