21 September, 2022 12:11 PM IST | Cape Town | Gujarati Mid-day Correspondent
ટ્રિસ્ટૅન સ્ટબ્ઝ સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી
જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકામાં શરૂ થનારી નવી ટી૨૦ ક્રિકેટ લીગ માટે સોમવારે કેપટાઉનમાં આઇપીએલની માફક ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાઉથ આફ્રિકાના બાવીસ વર્ષના પાવર-હિટર અને વિકેટકીપર-બૅટર ટ્રિસ્ટૅન સ્ટબ્ઝને ઑક્શન માટેના તમામ ખેલાડીઓમાં સૌથી ઊંચો ભાવ મળ્યો હતો. સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ નામના ફ્રૅન્ચાઇઝીએ તેને ૫,૨૦,૦૦૦ ડૉલર (૪.૧૫ કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો. સ્ટબ્ઝ માટે મુંબઈ ઇન્ડિયન્સના માલિકોની એમઆઇ કેપટાઉન તેમ જ જોહનિસબર્ગ સુપર કિંગ્સ ફ્રૅન્ચાઇઝી વચ્ચે જોરદાર હરીફાઈ થઈ હતી અને એમાં સનરાઇઝર્સની બોલી સૌથી ઊંચી હતી.
૨૪ વર્ષના બૅટર તથા સુપર-ફીલ્ડર ડોનાવૉન ફેરેઇરાને સુપર કિંગ્સે ૩,૧૦,૦૦૦ ડૉલર (૨.૪૮ કરોડ રૂપિયા)માં મેળવ્યો હતો. યેન્સેન બંધુઓ (ડુઆન યેન્સેન, માર્કો યેન્સેન) પણ ખૂબ ડિમાન્ડમાં હતા. માર્કો યેન્સેનને સનરાઇઝર્સે ૩,૪૪,૦૦૦ ડૉલર (૨.૭૪ કરોડ રૂપિયા)માં અને ડુઆન યેન્સેનને એમઆઇ કેપ ટાઉને ૧,૮૬,૦૦૦ ડૉલર (૧.૪૮ કરોડ રૂપિયા)માં મેળવી લીધો હતો.
સાઉથ આફ્રિકાના ટી૨૦ કૅપ્ટન ટેમ્બા બવુમા અને ટેસ્ટ સુકાની ડીન એલ્ગરને કોઈ પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતા ખરીદ્યા.
300
સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગ માટેની હરાજીમાં કુલ ૩૦૦ ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કરાયા હતા.
કઈ ટીમમાં ખાસ કોણ?
(૧) ડરબન સુપર જાયન્ટ્સ : ક્વિન્ટન ડિકૉક, જેસન હોલ્ડર, કાઇલ માયર્સ, રીસ ટૉપ્લી, હિન્રીચ ક્લાસન, કેશવ મહારાજ, દિલશાન મદુશન્કાનો સમાવેશ છે.
(૨) જોહનિસબર્ગ સુપર કિંગ્સ : ફૅફ ડુ પ્લેસી, મહીશ થીકશાના, રોમારિયો શેફર્ડ, યૅનમૅન મલાન, રીઝા હેન્ડ્રિક્સ, અલ્ઝારી જોસેફ, ડૉનાવૉન ફેરેઇરા.
(૩) એમઆઇ કેપટાઉન : કૅગિસો રબાડા, ડેવાલ્ડ બ્રેવિસ, રાશિદ ખાન, લિઆમ લિવિંગસ્ટન, સૅમ કરેન, રૅસી વૅન ડર ડુસેન, ડુઆન યેન્સેન, ઓડિયન સ્મિથ.
(૪) પાર્લ રૉયલ્સ : ડેવિડ મિલર, જૉસ બટલર, ઑબેડ મેકૉય, લુન્ગી ઍન્ગિડી, તબ્રેઝ શમ્સી, જેસન રૉય, ઇયોન મૉર્ગન.
(૫) પ્રીટોરિયા કૅપિટલ્સ : ઍન્રિચ નોર્કિયા, મિગ્વેલ પ્રિટોરિયસ, રિલી રોસોઉ, વેઇન પાર્નેલ, આદિલ રશીદ, કુસલ મેન્ડિસ, નીશૅમ.
(૬) સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપ : એઇડન માર્કરમ, માર્કો યેન્સેન, ટ્રિસ્ટૅન સ્ટબ્ઝ.