સાઉથ આફ્રિકાની ટી૨૦ રેકૉર્ડ બુકમાં ચમકેલા બોલર પ્રીટોરિયસની નિવૃત્તિ

10 January, 2023 02:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લીગ ટુર્નામેન્ટ્સમાં રમવા ઇન્ટરનૅશનલ્સમાં રમવાનું છોડી દીધું

ડ્વેઇન પ્રીટોરિયસે

સાઉથ આફ્રિકાના ઑલરાઉન્ડર ડ્વેઇન પ્રીટોરિયસે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવાનું છોડી દીધું છે. તે ટી૨૦ ફૉર્મેટનો બેસ્ટ ખેલાડી બનવા માગે છે અને પરિવારને વધુ સમય આપવા માગે છે. તે આઇપીએલ સહિત ચાર લીગ ટુર્નામેન્ટ્સમાં રમીને વર્ષ દરમ્યાન સતત વ્યસ્ત રહેવા માગે છે.

૩૩ વર્ષના પ્રીટોરિયસે ૩ ટેસ્ટ, ૨૭ વન-ડે અને ૩૦ ટી૨૦ મળીને કુલ ૬૦ ઇન્ટરનૅશનલ મૅચમાં ૭૭ વિકેટ લીધી હતી અને ૫૦૦થી વધુ રન બનાવ્યા છે. તે અંગૂઠાના ફ્રૅક્ચરને કારણે તાજેતરમાં ભારત સામેની ટી૨૦ સિરીઝ અને એ પછીના ટી૨૦ વર્લ્ડ કપમાં નહોતો રમ્યો.  જોકે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં એક ઇનિંગ્સની શ્રેષ્ઠ બોલિંગ-ઍનૅલિસિસ ધરાવતા વિશ્વભરના ખેલાડીઓમાંથી સાઉથ આફ્રિકાના બોલર્સમાં પ્રીટોરિયસનું નામ મોખરે છે. તેણે ૨૦૨૧માં પાકિસ્તાન સામેની ટી૨૦માં ૧૭ રનમાં પાંચ વિકેટ લીધી હતી અને એ ઍનૅલિસિસ સાથે તે રેકૉર્ડ બુકમાં હજી પણ ચમકી રહ્યો છે.

આઇપીએલમાં તે ચેન્નઈ સુપર કિંગ્સ વતી રમ્યો છે. ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં તેણે વેલ્શ ફાયર ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે તેમ જ કૅરિબિયન પ્રીમિયર લીગમાં પણ રમી ચૂક્યો છે. આજે શરૂ થઈ રહેલી સાઉથ આફ્રિકાની એસએ૨૦ નામની સ્પર્ધા માટે ડર્બન સુપર જાયન્ટ્સ ફ્રૅન્ચાઇઝીએ તેને ૨,૪૦,૦૦૦ ડૉલર (અંદાજે ૧.૯૮ કરોડ રૂપિયા)માં ખરીદ્યો છે.

sports news sports cricket news south africa