01 December, 2024 10:39 AM IST | Durban | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકાની ટીમ
ડરબન ટેસ્ટના પાંચમા દિવસે સાઉથ આફ્રિકાની ટીમે શ્રીલંકન ટીમ સામે ૨૩૩ રને જીત મેળવી છે. પહેલી ઇનિંગ્સના ૧૯૧ રન અને બીજી ઇનિંગ્સમાં પાંચ વિકેટે ફટકારેલા ૩૬૬ રનના આધારે સાઉથ આફ્રિકાની ટીમે ૫૧૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૨ રનનો પોતાનો લોએસ્ટ ટેસ્ટ-સ્કોર બનાવનાર શ્રીલંકન ટીમ બીજી ઇનિંગ્સમાં ૭૯.૪ ઓવરમાં ૨૮૨ રને સમેટાઈ ગઈ હતી. બે મૅચની સિરીઝમાં યજમાન ટીમે ૧-૦થી લીડ મેળવી લીધી છે.
૧૧ વિકેટ લઈને માર્કો યાન્સેન બન્યો પ્લેયર ઑફ ધ મૅચ
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યાન્સેને આ મૅચમાં ૨૮.૩ ઓવરમાં ૮૬ રન આપી ૧૧ વિકેટ ઝડપી છે. તેણે પહેલી ઇનિંગ્સમાં ૭ અને બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટ લીધી છે. પ્લેયર ઑફ ધ મૅચ બનેલા ૨૪ વર્ષના યાન્સેને કરીઅરમાં પહેલી વાર એક ટેસ્ટમાં ૧૦ પ્લસ વિકેટ ઝડપી છે.
WTC પૉઇન્ટ્સ-ટેબલમાં થયો મોટો ફેરફાર
ડરબન ટેસ્ટ પહેલાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના પૉઇન્ટ્સ-ટેબલમાં શ્રીલંકા (૫૫.૫૬) ત્રીજા ક્રમે અને સાઉથ આફ્રિકા (૫૪.૧૭) પાંચમા ક્રમે હતું. શ્રીલંકા સામેની ટેસ્ટ-જીત બાદ સાઉથ આફ્રિકાએ ૫૯.૨૬ પૉઇન્ટ ટકાવારી સાથે બીજા ક્રમે પહોંચીને ફાઇનલિસ્ટ બનવાની દાવેદારી નોંધાવી દીધી છે. ઑસ્ટ્રેલિયન ટીમ (૫૭.૬૯)ને આ અઠવાડિયામાં નંબર વનનું સ્થાન ગુમાવ્યા બાદ ફરી એક સ્થાનનું નુકસાન થયું છે. કાંગારૂ ટીમ બીજાથી ત્રીજા ક્રમે પહોંચી છે. સાઉથ આફ્રિકાની જીત બાદ શ્રીલંકાની ટીમ ૫૦.૦૦ પૉઇન્ટ ટકાવારી સાથે પાંચમા ક્રમે આવી ગઈ છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડની ટીમ (૫૪.૫૫) ચોથા અને ભારતીય ટીમ (૬૧.૧૧) પહેલા ક્રમે યથાવત્ છે.