બંગલાદેશની અશાંતિ દરમ્યાન મૌન રહેવા બદલ શાકિબે માગી માફી

11 October, 2024 10:26 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

શાકીબ પર વિરોધ-પ્રદર્શન દરમ્યાન એક વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ છે, પરંતુ શાકિબ એ સમયે કૅનેડામાં T20 લીગ રમી રહ્યો હતો.

બંગલાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ-અલ-હસન

બંગલાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ-અલ-હસને દેશમાં અશાંતિ દરમ્યાન મૌન રહેવા બદલ માફી માગી છે જેના કારણે તેનો સાઉથ આફ્રિકા સામે ફેરવેલ-ટેસ્ટ રમવાનો માર્ગ મોકળો થઈ શકે છે. તે મીરપુરમાં ૨૧ ઑક્ટોબરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ બાદ આ ફૉર્મેટમાંથી નિવૃત્તિ લેવા માગે છે. અહેવાલ અનુસાર બંગલાદેશમાં પહેલી ટેસ્ટ રમ્યા બાદ તે ફરી અમેરિકા જશે જ્યાં તે તેની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે.

શાકિબે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘હું તે તમામ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે પક્ષપાત વિરોધી આંદોલનનું નેતૃત્વ કર્યું અને પોતાનો જીવ ગુમાવ્યો અથવા ઘાયલ થયા. કોઈ પણ પ્રિયજનોની ખોટની ભરપાઈ કરી શકે નહીં. આ નાજુક સમયે મારા મૌનથી જે લોકોને દુઃખ થયું છે તેમની હું માફી માગું છું.’ 

શાકીબ પર વિરોધ-પ્રદર્શન દરમ્યાન એક વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ છે, પરંતુ શાકિબ એ સમયે કૅનેડામાં T20 લીગ રમી રહ્યો હતો.

ક્રિકેટ-ફૅન્સ માટે ઇમોશન મેસેજ લખતાં શાકિબે કહ્યું, ‘હું ટૂંક સમયમાં મારી છેલ્લી મૅચ રમીશ. હું તમારા બધાની પરવાનગી લેવા માગું છું. વિદાય સમયે હું એવા લોકો સાથે હાથ મિલાવવા માગું છું જેમની પ્રશંસાએ મને વધુ સારી રીતે રમવાની પ્રેરણા આપી. હું એવા લોકો સાથે આંખનો સંપર્ક કરવા માગું છું જેઓ જ્યારે હું સારું રમ્યો ત્યારે તાળીઓ પાડતા હતા અને જ્યારે હું ખરાબ રમ્યો ત્યારે તેમની આંખોમાં આંસુ હતાં. મને વિશ્વાસ છે કે આ વિદાય સમયે તમે બધા મારી સાથે હશો. આપણે સાથે મળીને વાર્તા પૂરી કરીશું જેનો હીરો હું નહીં, પણ તમે બધા છો.’

bangladesh south africa mirpur t20 social media cricket news test cricket sports sports news