કેશવ મહારાજે સતત ૪૦ ઓવર બોલિંગ કરીને નવો રેકૉર્ડ સરજ્યો

13 August, 2024 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૮ ટેસ્ટ પછી અને ૨૦૨૪માં પહેલી વાર ટેસ્ટમૅચ ડ્રૉ થઈ

કેશવ મહારાજ

વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે પોર્ટ ઑફ સ્પેનમાં રમાયેલી બે મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ ડ્રૉ રહી હતી. આ ટેસ્ટના અંતિમ દિવસે સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને ૭૨ ઓવરમાં ૨૯૮ રન બનાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ યજમાન ટીમ પાંચ વિકેટ ગુમાવીને માત્ર ૨૦૧ રન બનાવી શકી અને મૅચ ડ્રૉ થઈ હતી. આ ટેસ્ટ ડ્રૉ થતાંની સાથે જ જુલાઈ ૨૦૨૩થી  ચાલી રહેલો ૨૮ ટેસ્ટજીતનો સિલસિલો પણ તૂટી ગયો હતો. ૨૦૨૪માં પહેલી વાર કોઈ ઇન્ટરનૅશનલ ટેસ્ટમૅચ ડ્રૉ રહી હતી.

ભારતીય મૂળનો ઑલરાઉન્ડર કેશવ મહારાજ વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર ૮ વિકેટ લેનાર સાઉથ આફ્રિકાનો પહેલો સ્પિનર બન્યો હતો. તેણે ટેસ્ટમાં સતત ૪૦ ઓવર નાખીને સૌથી લાંબી સ્પેલ ફેંકવાનો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. ૨૦૧૨માં પાકિસ્તાનના અબ્દુર રહમાને ઇંગ્લૅન્ડ સામે ૩૭ ઓવર સતત બોલિંગ કરી હતી, પરંતુ વેસ્ટ ઇન્ડીઝ સામે પૉર્ટ ઑફ સ્પેનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સતત ૪૦ ઓવર નાખીને કેશવ મહારાજે હવે આ રેકૉર્ડ પોતાને નામે કર્યો છે.

west indies south africa test cricket cricket news sports sports news