સધ્ધર ટી૨૦ લીગ જ ટકશે, બાકીની ફેંકાઈ જશે : ગાંગુલી

07 February, 2023 01:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

‘ખેલાડીઓને પ્રલોભન મળવાની સ્થિતિ બહુ લાંબો સમય નહીં ચાલે’

સૌરવ ગાંગુલી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૦૮માં શરૂ થયા બાદ વધુ ને વધુ લોકપ્રિય થતી ગઈ અને હવે તો મહિલાઓની ડબ્લ્યુપીએલ પણ શરૂ થવા જઈ રહી છે ત્યારે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટી૨૦ લીગ ટુર્નામેન્ટ્સના ફાટી નીકળેલા રાફડા વિશે ગઈ કાલે કલકત્તાની એક ઇવેન્ટમાં ચોંકાવનારાં વિધાન કર્યાં હતાં. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ ગાંગુલીનું એવું માનવું છે કે ‘સંખ્યાબંધ ટી૨૦ લીગ તરફથી ક્રિકેટરોને પ્રલોભન મળવાની આ સ્થિતિ ટૂંકા ગાળા માટેની જ છે, કારણ કે આર્થિક રીતે સધ્ધર હશે એ લીગ ટુર્નામેન્ટ્સ જ ટકશે.’

એક પછી એક ટી૨૦ લીગ શરૂ થઈ રહી હોવાથી કેટલાક દેશના ખેલાડીઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈને લીગમાં જોડાવા માંડ્યા છે. મેન્સ આઇપીએલ ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ છે. ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગે પણ અનોખી છાપ પાડી છે, પરંતુ કૅરિબિયન પ્રીમિયર લીગ, બંગલાદેશ પ્રીમિયર લીગ, પાકિસ્તાન સુપર લીગ, શ્રીલંકા પ્રીમિયર લીગ ખાસ કોઈ પ્રભાવ નથી પાડી શકી, ત્યાં ગયા મહિને એકસાથે બે નવી લીગ શરૂ થઈ છે. સાઉથ આફ્રિકાની એસએ૨૦ લીગ અને યુએઈની ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ નામની એ બે સ્પર્ધા થોડા દિવસમાં પૂરી થઈ જશે. જોકે આ વર્ષે અમેરિકામાં પણ એક લીગ શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો : સેહવાગ કરતાં સચિન સાથે ઓપનિંગ કરવાની મજા આવતી હતી : ગાંગુલી

ગાંગુલીએ ગઈ કાલે કહ્યું કે ‘આપણે ટી૨૦ લીગ વિશે ખૂબ વાતો કરી રહ્યા છીએ. આઇપીએલ બધાથી નોખી ટુર્નામેન્ટ છે અને વિવિધ પરિબળોને સ્પર્શતી એની ઇકોસિસ્ટમ જ ભિન્ન છે. બિગ બૅશ લીગ પણ સારી ચાલે છે અને ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડે પણ લોકપ્રિયતા મેળવી છે. સાઉથ આફ્રિકાની લીગ પણ સારી જઈ રહી છે. હું ત્રણ અઠવાડિયાંથી એ જોઉં છું. તમામ ટી૨૦ લીગ વચ્ચે સામ્ય એ છે કે ક્રિકેટ જ્યાં લોકપ્રિય છે એવા દેશોમાં એ શરૂ થઈ છે. જોકે મને લાગે છે કે આવતાં ચાર-પાંચ વર્ષમાં બહુ ઓછી લીગ અસ્તિત્વમાં હશે અને હું જાણું છે કે કઈ લીગ અસ્તિત્વમાં રહી શકશે. કારણ એ છે કે ખેલાડીઓને અમુક લીગનું માહાત્મ્ય સમજાઈ જશે. હમણાં અમુક લીગ નવી છે એટલે ખેલાડીઓએ એ તરફ દોટ મૂકી છે, પણ સમય જતાં અમુક લીગ જ ટકશે એટલે નૅશનલ ટીમનું મહત્ત્વ લીગ જેટલું થઈ જશે.’

 તમામ ટી૨૦ લીગ વચ્ચે સામ્ય એ છે કે ક્રિકેટ જ્યાં લોકપ્રિય છે એવા દેશોમાં એ શરૂ થઈ છે. જોકે મને લાગે છે કે આવતાં ચાર-પાંચ વર્ષમાં બહુ ઓછી લીગ અસ્તિત્વમાં હશે અને હું જાણું છે કે કઈ લીગ અસ્તિત્વમાં રહી શકશે. - સૌરવ ગાંગુલી

12

વિશ્વભરમાં આઇપીએલ અને બિગ બૅશ લીગ સહિત કુલ આટલી ટી૨૦ લીગ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને અમેરિકાની સ્પર્ધા ૧૩મી બનશે.

sports news sports indian cricket team cricket news test cricket t20 t20 international indian premier league sourav ganguly