02 June, 2024 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
નૅશનલ ક્રિકેટ ટીમના હેડ કોચના પદ પર એક ભારતીયની નિમણૂકને સમર્થન આપતાં ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ગઈ કાલે કહ્યું કે ‘જો ગૌતમ ગંભીર એના માટે અરજી કરશે તો તે એક સારો કોચ સાબિત થશે, કારણ કે તેણે તાજેતરમાં પોતાની ટીમને IPL ટાઇટલ જિતાડ્યું છે.’ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ અને દાદાના નામે જાણીતા સૌરવ ગાંગુલીએ કલકત્તાના એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે તેઓ રાષ્ટ્રીય ટીમ માટે ભારતીય કોચની નિમણૂક કરવાના પક્ષમાં છે, કારણ કે દેશમાં પ્રતિભાની કોઈ કમી નથી.
ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમ વિશે શું કહ્યું સૌરવ ગાંગુલીએ?
સૌરવ ગાંગુલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ‘ઇમ્પૅક્ટ’ પ્લેયર નિયમ ચાલુ રાખવાની તરફેણમાં છે, પરંતુ ઇચ્છે છે કે ટીમ ટૉસના સમયે જ તેના ‘ઇમ્પૅક્ટ’ ખેલાડીનો નિર્ણય લે. હાલમાં સમાપ્ત થયેલી IPL સીઝન પછી ‘ઇમ્પૅક્ટ’ પ્લેયર નિયમ ચર્ચામાં હતો, કારણ કે આ સીઝનમાં આઠ વખત ૨૫૦થી વધુ રન બન્યા હતા. ગાંગુલી ઇચ્છે છે કે આગામી સીઝનમાં મેદાનની બાઉન્ડરી વધારવી જોઈએ.