19 February, 2023 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ મંધાના
રૉયલ ચૅલૅન્જર્સ બૅન્ગલોરે સ્મૃતિ મંધાનાને વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની કૅપ્ટન બનાવી છે. ભારતીય મહિલા ટીમની વાઇસ કૅપ્ટનને બૅન્ગલોરે તાજેતરમાં થયેલી ખેલાડીઓની હરાજીમાં સૌથી વધુ ૩.૪૦ કરોડ રૂપિયામાં મેળવી હતી. બૅન્ગલોર સોશ્યલ મીડિયામાં એની ઘોષણા કરી હતી, જેમાં એક વિડિયોમાં બૅન્ગલોરના વિરાટ
કોહલી અને હાલની સિરીઝની મેન્સ ટીમના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીના સંદેશાઓ હતા.
કોહલીએ કહ્યું હતું કે ‘હવે સમય આવી ગયો છે કે અન્ય એક ૧૮ નંબરની જર્સીએ ડબ્લ્યુપીએલમાં બૅન્ગલોરની ટીમનું નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ સ્મૃતિ મંધાનાની. સ્મૃતિ તને વિશ્વની એક બેસ્ટ ટીમ અને બેસ્ટ પ્રશંસકોનો ટેકો છે.’
બૅન્ગલોરની મહિલા ટીમની કૅપ્ટન મંધાનાએ કહ્યું હતું કે ‘વિરાટ અને ફૅફ ડુ પાસેથી આ બધી વાતો સાંભળીને હું ગદ્ગદ્ છું. મને આ તક આપવા બદલ આરસીબીના મૅનેજમેન્ટની હું આભારી છું. ડબ્લ્યુપીએલમાં બૅન્ગલોરને સફળતા અપાવવા માટે હું એડીચોટીનું જોર લગાવી દઈશ.’ ઓપનર તરીકે સ્મૃતિએ ૧૧૩ આંતરરાષ્ટ્રીય ટી૨૦ મૅચોમાં ૨૭.૧૫ની ઍવરેજથી ૨૬૬૧ રન કર્યા હતા.