04 December, 2024 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે તોફાની ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો વિકેટકીપર-બૅટર ઉર્વિલ પટેલ.
ગઈ કાલે ઉત્તરાખંડ અને ગુજરાત વચ્ચે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની T20 મૅચ રમાઈ હતી જેમાં ગુજરાતની ટીમે ઓપનર ઉર્વિલ પટેલની ૪૧ બૉલમાં ૧૧૫ રનની અણનમ ઇનિંગ્સની મદદથી ૮ વિકેટે જીત મેળવી છે. ૨૭ ડિસેમ્બરે ત્રિપુરા સામે ૨૮ બૉલમાં સેન્ચુરી ફટકારવાનો ભારતીય રેકૉર્ડ બનાવ્યા બાદ તેણે અહીં ૩૬ બૉલમાં સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તે T20 ક્રિકેટમાં ૪૦ બૉલની અંદર બે સેન્ચુરી ફટકારનાર દુનિયાનો પહેલો બૅટર બન્યો છે.
૧૮૩ રનનો ટાર્ગેટ ચેઝ કરતાં તેણે ગઈ કાલે આઠ ચોગ્ગા અને ૧૧ છગ્ગાની મદદથી ૪૧ બૉલ પહેલાં ગુજરાતને જીત અપાવી હતી. ૨૮ બૉલમાં ફાસ્ટેસ્ટ T20 સેન્ચુરી ફટકારનાર આ ભારતીય બૅટર IPL મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહ્યો છે. ૩૦ લાખની બેઝ-પ્રાઇસ પર તેની જૂની ફ્રૅન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે પણ તેને ખરીદવામાં રસ બતાવ્યો નહોતો, પરંતુ એક અઠવાડિયામાં બે ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારીને તેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.