14 January, 2025 08:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘બિગ બૉસ’ની ૧૮મી સીઝનના સેટ પર સલમાન ખાનને પંજાબ કિંગ્સના પ્લેયર્સ શ્રેયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ મળ્યા હતા.
બૉલીવુડ ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સે પોતાના નવા કૅપ્ટનની જાહેરાત અનોખી રીતે કરી હતી. બિગ બૉસ સીઝન ૧૮માં પંજાબ કિંગ્સના પ્લેયર્સ શ્રેયસ ઐયર, યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ ‘વીકેન્ડ કા વાર’ એપિસોડના ભાગ બન્યા હતા જ્યાં શોના હોસ્ટ સલમાન ખાને મસ્તી-મજાક બાદ શ્રેયસ ઐયરને પંજાબ કિંગ્સનો આગામી કૅપ્ટન જાહેર કર્યો હતો.
IPLની ૧૮મી સીઝન માટે શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સના ઇતિહાસનો ૧૭મો કૅપ્ટન બન્યો છે. પંજાબ કિંગ્સ IPLના ઇતિહાસમાં સૌથી વધારે કૅપ્ટન બદલી ચૂકી છે. ૨૬.૭૫ કરોડ રૂપિયાની કિંમત સાથે આ લીગના ઇતિહાસના બીજા સૌથી મોંઘા પ્લેયર બનેલા શ્રેયસ ઐયર પર પંજાબ કિંગ્સને પહેલી વાર ચૅમ્પિયન બનાવવાની જવાબદારી રહેશે. પંજાબ કિંગ્સનો પહેલો કૅપ્ટન ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ હતો. ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર જ્યૉર્જ બેઇલી (૩૫ મૅચ) અને ઍડમ ગિલક્રિસ્ટ (૩૪ મૅચ)એ આ ટીમ માટે IPLમાં સૌથી વધારે મૅચમાં કૅપ્ટન્સી કરી છે.
દરેક ફ્રૅન્ચાઇઝીએ કેટલા કૅપ્ટન્સ બદલ્યા
પંજાબ : ૧૭
દિલ્હી : ૧૪
હૈદરાબાદ : ૧૦
મુંબઈ : ૦૯
ક્લકત્તા : ૦૮
બૅન્ગલોર : ૦૭
રાજસ્થાન : ૦૬
ચેન્નઈ : ૦૪
ગુજરાત : ૦૩
લખનઉ : ૦૩