ત્રીજી ટેસ્ટ પહેલાં ભારતની મુશ્કેલી વધી, શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત

10 February, 2024 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટ મૅચની સિરીઝમાં ભારત હાલમાં ૧-૧થી બરોબરી પર છે

શ્રેયસ ઐયર

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝમાં પહેલી બે મૅચ બાદ પરિણામ ૧-૧થી લેવલ છે. હૈદરાબાદની પહેલી ટેસ્ટ ઇંગ્લૅન્ડે જીતી લીધી હતી, જ્યારે વિશાખાપટ્ટનની બીજી ટેસ્ટ ભારત જીત્યું હતું. ત્યારે ભારતે આ સિરીઝ માટે પહેલી બે ટેસ્ટ માટે જ ટીમ જાહેર કરી હતી. ત્યારે બાકીની ૩ ટેસ્ટ મૅચ માટે હજી ટીમ જાહેર કરવાની બાકી છે. આ વચ્ચે ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમ મૅનેજમેન્ટ ખેલાડીઓની ઈજાને લઈને પહેલાંથી જ પરેશાન છે ત્યારે ટીમમાં મિડલ ઑર્ડર ખેલાડી શ્રેયસ ઐયર ઈજાને કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ શકે છે.

ઈજા બની ભારત માટે ટેન્શન

ટેસ્ટ સિરીઝ દરમ્યાન ખેલાડીઓની ઈજા ટીમ ઇન્ડિયા માટે તકલીફ બની રહી છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજા અને કે. એલ. રાહુલ પહેલાં જ ઈજાને કારણે ટીમમાંથી બહાર છે ત્યારે શ્રેયસ ઐયરને પણ ઈજાને લઈને ફરિયાદ કરતાં મૅનેજમેન્ટ ડબલ ટેન્શનમાં આવી ગયું છે. શ્રેયસ ઐયરને પીઠમાં ઈજાની ફરિયાદ કરતાં તે રાજકોટની હવે પછીની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે.

શ્રેયસ ઐયર માટે મોટો ઝટકો

શ્રેયસ ઐયર માટે આ મોટો ઝટકો ગણાય. તે છેલ્લા ૧૨ મહિનામાં પીઠની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. તે ગયા વર્ષે બોર્ડર-ગાવસકર સિરીઝ શરૂઆતમાં ગુમાવી ચૂક્યો હતો. લાંબી ઈજાને કારણે તે હાલમાં મોટા ભાગે ક્રિકેટથી દૂર રહ્યો હતો. જોકે એશિયા કપ પહેલાં ઑગસ્ટમાં તેની ક્રિકેટમાં વાપસી થઈ હતી. ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટેસ્ટ ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થશે ત્યારે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી તરફથી જાણકારી મળ્યા બાદ શ્રેયસ ઐયરના ભવિષ્યને લઈને નિર્ણય લેવામાં આવશે.

shreyas iyer sports news sports cricket news